જાપાનમાં 24 કલાકમાં 5મો ભૂકંપ: આટલી તીવ્રતા ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

ટોક્યો: છેલ્લા કેટલાક દિવસોથી જાપાનની ધરતી નીચે સતત હલનચલન થઇ રહ્યું છે. આજે શુક્રવારે વહેલી સવારે જાપાનના ઉત્તર વિસ્તારમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. હજુ સુધી કોઈ જાનહાની કે મોટા નુકશાનના અહેવાલ નથી.
જાપાન મેટ્રોલોજીકલ એજન્સી (JMA) એ શરૂઆતનામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની જાણ કરી હતી, ત્યાર બાદ આંકડા અપગ્રેડ કરવામાં આવ્યા હતાં. JMAએ ઉત્તરીય જાપાનના પેસિફિક દરિયાકાંઠે એક મીટરની ઊંચાઈ સુધીના સુનામી મોજાની ચેતવણી આપી છે.
સોમવારે આવેલા 7.5 તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનમાં સતત આફ્ટર શોકસ આવી રહ્યા છે, અહેવાલ મુજબ આજે સવારે આવેલો ભૂકંપ છેલ્લા 24 કલાકમાં જાપાનમાં આવેલો આ 5મો ભૂકંપ છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર હોન્શુના મુખ્ય ટાપુ પર ઇવાટે પ્રીફેક્ચરના કુજી શહેરથી 130 કિલોમીટર દૂર હતું, ભૂકંપની તીવ્રતા 6.7 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ શુક્રવારે જાણ કરી હતી કે અસરગ્રસ્ત પ્રદેશમાં આવેલા ન્યુક્લિયર રીએક્ટર્સ સલામત છે.
સોમવારે આવ્યો હતો શક્તિશાળી ભૂકંપ:
નોંધનીય છે કે સોમાવરે જાપાનમાં 7.5 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેને કારણે સંખ્યાબંધ ઈમારતોને નુકશાન પહોંચ્યું હતું. રસ્તાઓ પર તિરાડો પડી ગઈ હતી, 70 સેન્ટિમીટર સુધીના સુનામી મોજા ઉછળ્યા હતાં.
વધુ ભૂકંપ આવવાની શક્યતા:
સોમવારના ભૂકંપ બાદ JMAએ ચેતવણી આપી હતી કે આ અઠવાડિયામાં વધુ એક મોટો ભૂકંપ આવી શકે છે. જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના ઉત્તરપૂર્વીય છેડે આવેલા સાનરિકુ વિસ્તાર અને ઉત્તરીય ટાપુ હોક્કાઇડો પર ભૂકંપની ચેતવણી આપવામાં આવી હતી. આ વિસ્તારોમાં વર્ષ 2011 માં 9.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આવેલી સુનામીમાં લગભગ 18,500 લોકો માર્યા ગયા હતા.



