બાંગ્લાદેશના ઢાકા અને નરસિંદીમાં તબાહી: 5.7ની તીવ્રતાના આંચકાથી 10નાં મોત, 100 થી વધુ ઘાયલ…

ઢાકા: શુક્રવારે સવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને તેની આસપાસના વિસ્તારોમાં 5.7ની તીવ્રતાના જોરદાર ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નરસિંદી જિલ્લામાં હતું, જ્યાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. શક્તિશાળી આંચકાને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું, કેટલીક જગ્યાએ આગ લાગી, અને ગભરાયેલા લોકો રસ્તાઓ પર દોડતા જોવા મળ્યા. આ ઘટનાએ બાંગ્લાદેશમાં વ્યાપક ભય અને અફરાતફરીનો માહોલ પેદા કર્યો છે.
અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ભૂકંપથી ઢાકા અને આસપાસના જિલ્લાઓમાં મોટી જાનહાનિ થઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઢાકાથી લગભગ 13 કિલોમીટર દૂર નરસિંદી ખાતે નોંધાયું હતું, જ્યાં 5 લોકોનાં મોત થયા છે. આ સિવાય ઢાકામાં 4 અને નારાયણગંજમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. ઢાકાના બહારના ઔદ્યોગિક વિસ્તાર ગઝીપુરમાં સૌથી વધુ અફરાતફરી જોવા મળી, જ્યાં 100થી વધુ કામદારો ઘાયલ થયા. મીડિયા અહેવાલો મુજબ, ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો આંચકા દરમિયાન ઈમારતોમાંથી બહાર ભાગતી વખતે થયેલી ભાગદોડમાં ઈજાગ્રસ્ત થયા હતા.
મીડિયા અહેવાલ પ્રમાણે, બૉંગશલમાં એક પાંચ માળની ઇમારતની રેલિંગ ભૂકંપના આંચકાથી તૂટી પડી હતી. દુર્ઘટના સમયે જે ત્રણ લોકો ઇમારતની સામે રસ્તા પર ચાલી રહ્યા હતા, તેમના પર રેલિંગ પડતા તેઓ મૃત્યુ પામ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જોરદાર ભૂંકપના કારણે લોકોમાં ગભરાટનો માહોલ એટલો હતો કે લોકો સીડીઓમાં ફસાઈ ગયા હતા, કારણ કે દરેક વ્યક્તિ એકસાથે નીચે ભાગવાની કોશિશ કરી રહ્યા હતા.
આ ભૂકંપ સવારે 10:38 વાગ્યે આવ્યો હતો, જેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર નોંધાઈ હતી. આ આંચકા એટલા શક્તિશાળી હતા કે ઢાકામાં ચાલી રહેલી બાંગ્લાદેશ-આયર્લેન્ડ ટેસ્ટ મેચને પણ થોડી મિનિટો માટે રોકવી પડી હતી. જોકે, સ્ટેડિયમમાં કોઈ નુકસાન થયું ન હોવાથી મેચ ફરીથી શરૂ કરી દેવાઈ હતી. બાંગ્લાદેશની સાથે પડોશી દેશ ભારતમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ બંગાળના કોલકાતા, કૂચબિહાર અને ઉત્તર-પૂર્વના રાજ્યો જેમ કે આસામ, ત્રિપુરા અને મેઘાલયમાં પણ લોકો ગભરાઈને ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, ભારતમાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.
બાંગ્લાદેશના વચગાળાના વહીવટીતંત્રના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે દેશના નાગરિકોને શાંતિ જાળવવાની અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે અને જરૂર પડ્યે સત્તાવાર ચેનલો તેમજ હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.



