અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપમાં, 7 લોકોના મોત, 150 થી વધુ ઘાયલ

કાબુલ: આજે સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ શહેર અને આસપાસના વિસ્તારની ધરતી 6.3 ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી હતી. જોરદાર ભૂકંપને કારણે સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઇ ગઈ છે. અહેવાલ મુજબ સાત લોકોના મોત થયા છે, 150થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, મૃત્યુઆંક વધે એવી શક્યતા છે.
મજાર-એ-શરીફ અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેરોમાંનું એક છે, જેની વસ્તી લગભગ 5,23,000 છે. પ્રારંભિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી,પરંતુ બાદમાં યુએસ જીયોલોજીકલ સર્વે(USGS)એ જણાવ્યું હતું કે તેની તીવ્રતા 6.3 હતી. USGS મુજબ, ભૂકંપ મઝાર-એ-શરીફ નજીક 28 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
USGS એ તેના PAGER સિસ્ટમમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેનો મતલબ છે કે નોંધપાત્ર જાનહાનિ થવાની સંભાવના છે.
સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ સમયના વિડીયો શેર કરવામાં આવ્યા છે, જેમાં ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાનું દેખાઈ રહ્યું છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા મુજબ જાનહાનિ અને નુકસાન અંગેની વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
ઓગસ્ટ મહિનામાં અફઘાનીસ્તાનમાં આવેલા ભૂકંપે ભારે જાનહાની સર્જી હતી, 2200 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અફઘાનિસ્તાન પાસે છે ત્યાં અનેક ફોલ્ટ લાઇનો છે,જેને કારણે અવારનવાર ભૂકંપ આવે છે.
આ પણ વાંચો…ભારતના લેહમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, NCS શેર કરી પોસ્ટ



