લેપટોપ હોય કે પાણીની બોટલ, બધું સ્કેન થઈ જશે! દુબઈ એરપોર્ટ પર લાગશે બેસ્ટ સ્ક્રીનિંગ સિસ્ટમ્સ

દુબઈઃ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે હવે સુવિધાઓમાં વધારો થવાનો છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમે જાઓ ત્યારે તમારી પાસે રહેલી બેગમાં જે પણ વસ્તુઓ, ખાસ કરીને લેપટોપ, પાણીની બોટલ, કે પછી કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુને બહાર કાઢીને તેનું ચેકિંગ કરાવવું પડતું હોય છે, પરંતુ હવે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ઉત્તમ ટેક્નોલોજી વાળું સ્કેનર મશીન મુકવામાં આવશે. જેમાં તમે તમારા લેપટોપને કાઢી નાખ્યા વિના કે ખરીદેલી પાણીની બોટલ ફેંક્યા વિના એરપોર્ટ સુરક્ષામાંથી પસાર થઈ શકશો.
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લાગશે ઉત્તમ સ્ક્રીનીંગ સિસ્ટમ્સ
દુબઈ એરપોર્ટના ટર્મિનલ ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એસ્સા અલ શમ્સીએ જણાવ્યું કે, અમારી પાસે હાલમાં એક તબક્કાવાર યોજના છે, જે 2026 ના અંત સુધી આવી જશે. અમે હાલના હેન્ડ બેગેજ અને હોલ્ડ બેગેજ સુરક્ષા સ્ક્રીનીંગ સિસ્ટમ્સને દૂર કરીને નવી સુરક્ષા સ્ક્રીનીંગ સિસ્ટમ્સ લવાવા જઈ રહ્યાં છીએ. આ નવી ટેકનોલોજી મુસાફરીને સરળ અને તણાવમુક્ત બનાવશે. કારણ કે તમારે તમારી બેગમાંથી કંઈપણ બહાર કાઢવાની જરૂર નથી. દરેક વસ્તુઓ હવે આ હાઈટેક સુરક્ષા સ્ક્રીનીંગ સિસ્ટમ્સમં સ્કેન થઈ જશે.
નવા સ્કેનર્સમાં એઆઈ ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ
વધુમાં એસ્સા અલ શમ્સીએ કહ્યું કે, નવા સ્કેનર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનું પરીક્ષણ ચાલી રહ્યું છે. દુબઈ એરપોર્ટ્સ હાલમાં ટર્મિનલ 3 પર નવી સ્ક્રીનીંગ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહ્યું છે, જેનો ઉપયોગ ફક્ત અમીરાત એરલાઇન્સ દ્વારા જ થાય છે. મે 2025 માં દુબઈ એવિએશન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સે DXB ના ત્રણેય ટર્મિનલ્સ પર અદ્યતન ચેકપોઇન્ટ સ્ક્રીનીંગ ટેકનોલોજી સ્થાપિત કરવા માટે સ્મિથ્સ ડિટેક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ અત્યાધુનિક સ્કેનર્સ ઉચ્ચ-રિઝોલ્યુશન 3D ઇમેજિંગ પ્રદાન કરે છે, જે મુસાફરોને તેમની બેગમાં ઇલેક્ટ્રોનિક્સ અને પ્રવાહી રાખવાની મંજૂરી આપે છે. જેના કારણે મુસાફરોનો સમચ બચી જશે અને સાથે સાથે સુરક્ષામાં પણ વધારો થશે.
DXB પર મુસાફરોની સંખ્યામાં સતતા વધારો નોંધાયો
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2025 ના પ્રથમ છ મહિનામાં 46 મિલિયન મુસાફરો આવ્યાં હતાં. જેથી વાર્ષિક ધોરણે 2.3 ટકાનો વધારો નોંધાયો હતો. તે પછીના ત્રણ મહિનામાં એરપોર્ટે 22.5 મિલિયન મહેમાનોને સેવા આપી હતી. આ સંખ્યાં ગત વર્ષની સરખામણીએ 3.1 ટકા વધુ છે. મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરતા હોવાથી એરપોર્ટ પર સુવિધાઓને વધુ સ્માર્ટ અને વધુ કાર્યક્ષમ બને તે પણ જરૂરી છે. આ વૃદ્ધિને સંચાલિત કરવા માટે દુબઈ એરપોર્ટ્સ ઝડપી, સરળ અને વધુ સીમલેસ મુસાફરી અનુભવ પ્રદાન કરવાના હેતુથી આ ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે.
આ પણ વાંચો…ત્રીજી મુંબઈ દુબઈ કરતાં મોટી અને વધુ આકર્ષક બનશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ