Dubai Floods: યુએઈમાં પૂરના પગલે ભારતીય દૂતાવાસે નાગરિકોને આપી મોટી સલાહ
અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય દૂતાવાસે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા ભારતીય મુસાફરોને સલાહ આપી છે કે આ અઠવાડિયે શહેરમાં ભારે વરસાદને પગલે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે. આ અઠવાડિયે દુબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂરને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
યુએઇમાં ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે યુએઇ સરકાર પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. દરમિયાન, એરપોર્ટના અધિકારીઓએ સલાહ આપી છે કે ફ્લાઇટના ઉડાણની તારીખ અને સમય અંગે એરલાઇન્સ તરફથી પુષ્ટી થયા બાદ જ મુસાફરો એરપોર્ટ પર આવી શકે છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ સપ્તાહની શરૂઆતમાં યુએઈમાં પ્રતિકૂળ હવામાનને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સની સંખ્યા અસ્થાયી રૂપે મર્યાદિત કરવામાં આવી છે.
એમ્બેસીએ એડવાઇઝરીમાં કહ્યું હતું કે “દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અથવા ત્યાંથી મુસાફરી કરતા ભારતીય મુસાફરોને જ્યાં સુધી કામગીરી સામાન્ય ન થાય ત્યાં સુધી બિન-જરૂરી મુસાફરીને ફરીથી શિડ્યૂલ કરવાની સલાહ આપવામાં આવે છે.
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય નાગરિકોને મદદ કરવા માટે દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે 17 એપ્રિલથી ઈમરજન્સી હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે.