ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Dubai Floods: દુબઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, એરપોર્ટ, મોલ, મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા

દુબઈ: ઓમાનની ઉપરથી પસાર થયેલા વાવાઝોડાની અસરને કારણે સંયુક્ત આરબ અમીરાત(UAE)માં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે UAEની રાજધાની દુબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દુબઈના રસ્તાઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકો હેરાન થઇ રહ્યા છે.

સોમવારે મોડી રાતથી મંગળવાર સવાર સુધી ભારે વરસાદ વરસતા આ સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન અધિકારીઓએ અસ્થિર હવામાનની આગાહી કરી છે. UAEના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવામાં ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે.

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા ઘણા પેસેન્જર પ્લેન ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિવસ દરમિયાન એરપોર્ટની ગતિવિધિઓ 25 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. એરપોર્ટ પરથી 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

Also Read:ઓમાનમાં અચાનક પૂર અને ભારે વરસાદે મચાવી તબાહી; શાળાના બાળકો સહિત 17ના મોત

દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારે વરસાદ અને પવનને કારણે બપોરે 25 મિનિટ માટે કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જો કે તે ફરી શરૂ થઈ ગઈ છે અને હવે રિકવરી મોડમાં છે.”

UAEના સ્થાનિક મીડિયાના રીપોર્ટસ અનુસાર, રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ દુબઈ, અબુ ધાબી અને શારજાહના રહેવાસીઓને આગામી 48 કલાકમાં અસ્થિર હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. બુધવાર સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિષ્ણાતના જણાવ્યા મુજબ, “દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે. લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.”

દુબઈ મેટ્રોની રેડ લાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે. કેટકાલ મેટ્રો સ્ટેશન ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગયું હતું. તેમજ દુબઈથી અબુધાબી, દુબઈથી શારજાહ અને દુબઈથી અજમાનની બસ સેવા બંધ કરવામાં આવી હતી. મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને અમીરાતના મોલમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

ઘણા લોકો દુબઈ મોલમાં ફસાઈ ગયા છે કારણ કે તે મેટ્રો અને બસ સર્વિસ બંધ છે. ઘણા લોકો જેબલ અલી મેટ્રો સ્ટેશન પર ફસાયેલા છે. શેખ ઝાયેદ રોડ પર પણ લોકો બસો અને ટેક્સીઓમાંથી બહાર રસ્તા પર ચાલીને જતા જોવા મળ્યા હતા.વરસાદને કારણે સમગ્ર UAEમાં શાળાઓ બંધ હતી અને બુધવારે પણ બંધ રહી શકે છે.

ઓમાનની ઉપરથી પસાર થયા પછી, વાવાઝોડું સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને કતારના વિસ્તારોમાં પહોંચી ગયું છે. UAE ના કેટલાક વિસ્તારોમાં 24-કલાકના સમયગાળામાં 80 મિલીમીટર (3.2 ઇંચ) થી વધુ વરસાદ નોંધાયો છે, જે વાર્ષિક સરેરાશ આશરે 100 mmની નજીક છે. ઓમાનમાં વાવાઝોડાને કારણે મૃત્યુઆંક 18 થઈ ગયો છે અને બે લોકો ગુમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button