હિઝબુલ્લાહનો ડ્રોનથી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ
તેલ અવીવઃ હિઝબુલ્લાહના ડ્રોને ઇઝરાયલના એ શહેર પર હુમલો કર્યો છે જ્યાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ઘર છે. ઇઝરાયલની સેનાએ આ વાત જણાવી છે અને ઉમેર્યું છે કે અન્ય બે ડ્રોનને રોકી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ નથી. સૈન્યનું કહેવું છે કે ડ્રોન લેબેનોનથી ઇઝરાયલમાં પ્રવેશ્યું હતું અને તેણે સીઝેરિયા વિસ્તારમાં બેન્જામિન નેતન્યાહુના ખાનગી ઘરને નિશાન બનાવ્યું હતું. આ હુમલા સમયે નેતન્યાહુ અને તેમના પત્ની ત્યાં નહોતા.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)નું કહેવું છે કે આજે સવારે લેબનોનથી છોડવામાં આવેલા રોકેટથી હાઈફા વિસ્તારમાં ચેતવણીની સાયરન વાગી હતી. થોડા સમયમાં જ દક્ષિણ હાઈફાના સીઝેરિયામાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન નજીક એક ડ્રોન વિસ્ફોટ થયો હતો. ઇઝરાયલી સુરક્ષા દળોએ સ્વીકાર્યું હતું કે તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલી ડ્રોન હુમલાને રોકવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે આ હુમલો થયો હતો. તેમણે આને મોટી સુરક્ષા ચૂક ગણાવી હતી.
ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, ત્રણ ડ્રોન લેબનોનથી હાઇફા તરફ આવ્યા હતા, જેમાંથી માત્ર બેને શોધી કાઢવામાં આવ્યા હતા અને તેને અટકાવવામાં આવ્યા હતા. એ સમયે ત્રીજા ડ્રોને સીઝેરિયામાં એક બિલ્ડિંગ પર હુમલો કરી દીધો હતો. આ હુમલાને પ્રત્યક્ષ રીતે જોનારાઓએ પુષ્ટિ કરી હતી કે વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો.
ડ્રોને લેબનોનથી લગભગ 70 કિલોમીટરના અંતરેથી ઉડાન ભરી હતી અને સીઝેરિયાની એક ઇમારતને સીધી ટક્કર મારી હતી. ડ્રોન ઇઝરાયલી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી, ઉત્તરી તેલ અવીવમાં ગ્લિલોટ વસાહતમાં લશ્કરી થાણાઓ પર સાયરન વાગવા લાગી હતી, જે લેબેનોન તરફથી સંભવિત હુમલાની ચેતવણી આપી રહી હતી. ઈઝરાયલની સેનાએ એમ પણ જણાવ્યું હતું કે હુમલો કરતા પહેલા ડ્રોન એક કલાક સુધી ઈમારતની ઉપર ફરતું રહ્યું હતું.
નોંધનીયછે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે હિઝબુલ્લાહે લેબેનોન પરના ઇઝરાયલના ક્રૂર હુમલા અને ગાઝામાં થયેલા નરસંહારનો બદલો લેવા માટે તેના હુમલાઓ વધારવાની પ્રતિજ્ઞા લીધી છે. તાજેતરમાં જ ઇઝરાયલે ગાઝામાં હમાસના વડા યાહ્યા સિનવારને ઠાર માર્યો હતો.