આફ્રિકાના દેશ સુદાનની હોસ્પિટલ ડ્રોન હુમલો, 70 લોકોના મોત અને 19 ઘાયલ
જીનીવા: આફ્રિકન દેશ સુદાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ફાટી નીકળેલી સિવિલ વોર હાલના દિવસોમાં વધુ ઉગ્ર બની છે. એવામાં પશ્ચિમ સુદાનના શહેર અલ ફાશેર (El Fasher) માં એકમાત્ર કાર્યરત હોસ્પિટલ પર ડ્રોન હુમલો થયો (Drone Attack on Sudan Hospital) હતો. આ હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) ના વડા ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus) રવિવારે આ હુમલા અંગે જાણકારી આપી હતી.
આ પણ વાંચો: મ્યાનમારમાં પલાયન કરી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન હુમલો, 200થી વધુના મોત
મૃત્યુઆંક વધી શકે છે:
WHOના વડા ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘સુદાનના અલ ફાશેરમાં સાઉદી હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં 19 દર્દીઓ ઘાયલ થયા હતા અને 70 લોકો મૃત્યુ પામ્યા હતા. હુમલા સમયે હોસ્પિટલ દર્દીઓથી ભરેલી હતી.’
ઘાયલોમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
RSF પર હુમલાનો આરોપ:
અહેવાલ મુજબ સાઉદી ટીચિંગ મેટરનલ હોસ્પિટલ પર હુમલો ડ્રોન હુમલો થયો હતો, સ્થાનિક અધિકારીઓએ આ હુમલાનો આરોપ બળવાખોર જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) પર મૂક્યો હતો. યુદ્ધમાં સુદાનની સૈન્ય અને સાથી દળો સામે RSFને પીછેહઠ થઇ રહી છે, એવામાં આ અટેક કરવામાં આવ્યો છે. RSF એ હજુ સુધી હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
UN અધિકારીએ ચેતવણી આપી હતી:
સુદાનમાં UNના કાર્યોનું સંકલન કરતી નેશન્સના અધિકારીએ ગુરુવારે ચેતવણી આપી હતી કે RSFએ સુદાનની સશસ્ત્ર દળોને શહેર ખાલી કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું અને આગામી હુમલા અંગે સંકેત આપ્યો હતો.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે આ હુમલાને “આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” ગણાવ્યો.
સુદાનનું ગૃહયુદ્ધ:
યુએનએ ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે RSFએ સુદાનમાં 782 નાગરિકોની હત્યા કરી છે, અને RSFના હુમલામાં 1,140 થી વધુ ઘાયલ થયા છે. 2019 માં એક બળવાને કારણે લાંબા સમયથી શાસન કરતા સરમુખત્યાર ઓમર અલ-બશીરને હટાવવામાં આવ્યા હતાં ત્યારથી સુદાન રાજકીય રીતે અસ્થિર છે.