ભારત બહાર ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ
ભારતના બંધારણના નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ યોગાદન આપનાર ડૉ. બી.આર. આંબેડકરની ભારત બહાર સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા અને લોકોએ ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. ડો.આંબેડકરની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ નામ આપવામાં આવ્યું છે. ડો.આંબેડકરની આ પ્રતિમા વોશિંગ્ટન ડીસીના ઉપનગર મેરીલેન્ડમાં સ્થાપિત કરવામાં આવી છે.
પ્રતિમાના અનાવરણ સમયે હળવો ઝરમર વરસાદ પડ્યો હતો, તેમ છતાં લોકોમાં ઉત્સાહ સાથે જોડાયા હતા. પ્રતિમાના અનાવરણ સમયે મેરીલેન્ડમાં સમગ્ર અમેરિકા અને ભારતમાંથી પણ કેટલાક લોકો હાજર હતા. અમેરિકામાં સ્થાપિત ડૉ. આંબેડકરની આ પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા કરવામાં આવ્યું હતું. રામ સુતારે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સ્થિત સરદાર પટેલની પ્રતિમા પણ બનાવી છે.
આ ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસથી લગભગ 22 માઇલ દક્ષિણમાં છે. 13 એકરમાં બનેલા આ સેન્ટરમાં પ્રતિમા ઉપરાંત લાઇબ્રેરી, કન્વેન્શન સેન્ટર અને બુદ્ધ ગાર્ડન પણ છે.
અમેરિકામાં આંબેડકર ચળવળના આગેવાને કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ભારતના 140 કરોડ લોકો અને 45 લાખ ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે આ પ્રતિમા અમેરિકામાં રહેતા ભારતીયોને પ્રેરણા આપતી રહેશે. ડો.આંબેડકરની પ્રતિમાના અનાવરણ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.