અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી, લોસ એન્જલસમાં ઈમિગ્રેશન પોલીસીના વિરોધમાં લોકો રસ્તા પર

લોસ એન્જલસ : અમેરિકાના લોસ એન્જલસમાં નવી ઈમિગ્રેશન પોલીસી મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રદર્શનકારીઓ બેકાબૂ થયા છે. જેના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન આવ્યા છે. આ પ્રદર્શનકારીઓને રોકવામાં નિષ્ફળ પોલીસની મદદે નેશનલ ગાર્ડને ઉતારવાની ફરજ પડી છે.
કેલિફોર્નિયા નેશનલ ગાર્ડના 2,000 સૈનિકોને તૈનાત કરવાનો આદેશ
આ વિરોધ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિ વિરુદ્ધ છે. જેમાં શુક્રવારે યુએસ અધિકારીઓએ 44 લોકોની ધરપકડ કરી હતી. જેનો વિરોધ કરવા માટે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે ‘કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ’ના 2,000 સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.આ નિર્ણય ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ લેવામાં આવ્યો છે. જેમાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આનાથી લોકોમાં આક્રોશ વધ્યો છે.
ફેડરલ ડિટેન્શન સેન્ટરની બહાર વિરોધ
આ અંગે રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ કહેવું છે કે ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનની આડમાં કરવામાં આવેલી આ ધરપકડ ગેરકાયદેસર છે. ફેડરલ ડિટેન્શન સેન્ટરની બહાર વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ભીડને વિખેરવા માટે અધિકારીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જેનાથી અથડામણ અને તણાવ વધ્યો છે.
કેલિફોર્નિયાના ગવર્નર ટ્રમ્પની કાર્યવાહીથી નારાજ
શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ફોર્સને વધતી જતી અરાજકતાનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવી છે. જોકે, કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે આ પગલાનો સખત વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ આદેશ ઉશ્કેરણીજનક છે અને તે ફક્ત તણાવ અને અવિશ્વાસ વધારશે. આ પગલું અયોગ્ય છે.
વિદ્યાર્થીઓએ પણ વિરોધમાં હિસ્સો લીધો હતો
આ વિરોધ મુખ્યત્વે ફેડરલ ડિટેન્શન સેન્ટરની બહાર થઈ રહ્યો છે. જેમાં વિરોધીઓમાં સ્થાનિક નાગરિકો, ઇમિગ્રન્ટ અધિકાર કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે. જોકે પ્રદર્શન શાંતિપૂર્ણ હતું. પરંતુ પોલીસ દ્વારા ટીયર ગેસના ઉપયોગને કારણે પરિસ્થિતિ બગડવા લાગી. વિરોધીઓએ ઇમિગ્રન્ટ્સ માટે ન્યાય જેવા નારા લગાવ્યા હતા.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, હવે ટ્રમ્પે કહી આ મોટી વાત…
અથડામણમાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા
આ વિરોધ પ્રદર્શનના કારણે ઘણી જગ્યાએ વિરોધીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સ્થાનિક પોલીસ અને ફેડરલ એજન્ટોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળનો ઉપયોગ કર્યો હતો. અહેવાલો અનુસાર, કેટલાક વિરોધીઓ પણ ઘાયલ થયા હતા. તેની બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો આદેશ આપ્યો.