‘હું ભારત-પાકિસ્તાન સહિત 7 યુદ્ધોનો અંત લાવ્યો’, UN મહાસભામાં ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો બફાટ

ન્યૂ યોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની શાંતિનો નોબલ પ્રાઈઝ મેળવવાની ઝંખના કોઈથી છૂપી નથી. શાંતિનો નોબલ પ્રાઈઝ મેળવવાના પ્રયાસોમાં તેઓ જ્યાં યુદ્ધ શરૂ થાય, ત્યાં યુદ્ધવિરામ કરાવવા માટે પહોંચી જાય છે. આજે ન્યૂ યોર્ક ખાતે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં પણ તેમણે પોતાની યુદ્ધવિરામ કરાવ્યાની સિદ્ધિઓ ગણાવી હતી. જેમાં તેમણે ભારતને ન ગમે તેવી વાત પણ કરી હતી.
ભારત-પાકિસ્તાન સહિત 7 યુદ્ધવિરામ કરાવ્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 80માં સત્રને ડૉનાલ્ડ ટ્રમ્પે સંબોધ્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત ડૉનાલ્ડ ટ્રમ્પે ટેલિપ્રોમ્પ્ટરમાં આવેલી ટેકનિકલ સમસ્યા સાથે કરી હતી. પોતાના સંબોધનમાં ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, “માત્ર સાત મહિનાના સમયગાળામાં, મેં સાત અનંત યુદ્ધોનો અંત લાવ્યો છે. આમાં કંબોડિયા અને થાઇલેન્ડ, કોસોવો અને સર્બિયા, કોંગો અને રવાન્ડા, ભારત અને પાકિસ્તાન, ઇઝરાયલ અને ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા, અને આર્મેનિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.” આ સાથે ડૉનાલ્ડ ટ્રમ્પે યુએન (UN)ની ભૂમિકા પર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
ટ્રમ્પે યુક્રેન યુદ્ધ અંગે પણ વાત કરી અને દાવો કર્યો કે, ભારત અને ચીન જેવા દેશો રશિયાને ભંડોળ પૂરું પાડી રહ્યા છે. તેમણે યુરોપિયન દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાનું તરત જ બંધ કરવાની અપીલ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે,” યુરોપ ગેરકાયદેસર ઇમિગ્રેશનને કારણે બરબાદ થઈ રહ્યું છે.” ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા અને ડ્રગની હેરફેર સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.
અમેરિકાનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે
ડૉનાલ્ડ ટ્રમ્પે અંતે જણાવ્યું હતું કે, “લોકોનો જીવ બચાવવો એ મારા માટે નોબલ પુરસ્કાર છે. અમેરિકા પોતાના સુવર્ણ યુગ છે. અમેરિકા માત્ર અમેરિકન લોકોનો દેશ છે.” આ સાથે તેમણે ટેરિફ લાદવાના નિર્ણયને પોતાનો ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ અનેક વખત ભારત-પાકિસ્તાન વચ્ચે પોતે યુદ્ધવિરામ કરાવ્યાની વાત કરી ચૂક્યા છે. પરંતુ, ડૉનાલ્ડ ટ્રમ્પના આવા નિવેદનોને સતત ભારત નકારતું આવ્યું છે. જોકે, તાજેતરમાં પાકિસ્તાને પણ કબૂલ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા ન હતી. હવે, ડૉનાલ્ડ ટ્રમ્પે UN મહાસભામાં જે બફાટ કર્યો છે. તેને લઈને ભારત શું પ્રક્રિયા આપે છે? એ જોવું રહ્યું.