“Super Tuesday”માં ડોનાલ્ડ ટ્રમ્પની બંપર જીત, ચૂંટણી જીતવાનો માર્ગ થયો મોકળો

રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ નોમિનેશનની રેસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બનીને ઉભર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુઝડે પ્રાઈમરી ચૂંટણીમાં જોરદાર જીત સાથે શરૂઆત કરી છે. અત્યાર સુધીના પરિણામોમાં ટ્રમ્પે આઠ રાજ્યોમાં જીત મેળવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પની લોકપ્રિયતાને જોતા તેઓ સુપર ટ્યુઝડેના દિવસે 15 રાજ્યોમાં યોજાયેલી પ્રાથમિક ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી શકે છે. આ સાથે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે.
અમેરિકન મીડિયા અનુસાર, ટ્રમ્પે અલાબામા, અરકાનસાસ, મેઈન, નોર્થ કેરોલિના, ઓક્લાહોમા, ટેનેસી, ટેક્સાસ અને વર્જિનિયામાં જીત મેળવી છે. પોતાની જીત પર ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર મતદારોનો આભાર પણ માન્યો છે. પ્રાથમિક ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ 65 પોઈન્ટ સાથે આગળ છે. રાષ્ટ્રપતિ જો બિડેન પણ ટ્રમ્પથી બે પોઈન્ટ પાછળ છે. એવું માનવામાં આવે છે કે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેનનો મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પનો લગભગ નિશ્ચિત છે.
સુપર ટ્યુઝડે એટલે કે 5 માર્ચે અમેરિકાના 15 રાજ્યોમાં એક સાથે રિપબ્લિકન પ્રાથમિક ચૂંટણીઓ યોજાઈ હતી. મંગળવારે જે રાજ્યોમાં મતદાન થયું તેમાં કેલિફોર્નિયા, ટેક્સાસ, નોર્થ કેરોલિના, ટેનેસી, અલાબામા, વર્જિનિયા, ઓક્લાહોમા, અરકાનસાસ, મેસેચ્યુસેટ્સ, ઉટાહ, મિનેસોટા, કોલોરાડો, મેઈન અને વર્મોન્ટનો સમાવેશ થાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની બિડ જીતવા માટે 1215 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી છે. સુપર ટ્યુઝડેના પરિણામો પહેલા જ ટ્રમ્પને 244 ડેલિગેટ્સનું સમર્થન હતું. હવે, જો ટ્રમ્પ 15 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરે છે, તો ટ્રમ્પ ચોક્કસપણે રાષ્ટ્રપતિની બિડ જીતવાની નજીક પહોંચી જશે.
નિક્કી હેલીએ ગયા શનિવારે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની પ્રાથમિક ચૂંટણી જીતી હતી અને તેઓ અમેરિકન ઈતિહાસમાં પ્રાઈમરી ઈલેક્શન જીતનાર પ્રથમ રિપબ્લિકન મહિલા બન્યા છે. તેઓ પ્રાથમિક ચૂંટણી જીતનાર ભારતીય મૂળના પ્રથમ મહિલા પણ છે. જો કે, સુપર ટ્યુઝડેના પરિણામો પરથી એવું લાગે છે કે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે કારણ કે તેઓ ટ્રમ્પથી ઘણી પાછળ રહી ગયા છે.