ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ નહીં મળે, નોર્વે કમિટીએ શું આપ્યું કારણ ?

વોશિંગ્ટન: જગત જમાદાર બનીને વિશ્વમાં યુદ્ધને રોકીને શાંતિની સ્થાપનાનો દાવો કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની મહત્વાકાંક્ષાઓને મોટો ફટકો પડ્યો છે. નોર્વેજિયન નોબેલ કમિટીએ આજે પુરસ્કારની જાહેરાત કરતાં પહેલાં પુષ્ટિ કરી હતી કે ગાઝામાં તાજેતરના યુદ્ધવિરામ કરાર પહેલાં જ તેણે પોતાનો અંતિમ નિર્ણય લઈ લીધો હતો, જેની જાહેરાત આજે કરવામાં આવશે. ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે તેમણે ગાઝામાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી છે, પરંતુ કમિટીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમનો દાવો પુરસ્કારની પસંદગી પ્રક્રિયા બંધ થયા પછી આવ્યો છે.
‘આઠ યુદ્ધો’ સમાપ્ત કરવાના ટ્રમ્પના દાવાઓ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં વ્હાઇટ હાઉસમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથેની બેઠક દરમિયાન ટ્રમ્પે પોતાને આ પુરસ્કારના અનૌપચારિક દાવેદાર તરીકે રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઇતિહાસમાં કોઈએ કર્યું નથી તેવું તેમણે કર્યું છે – માત્ર નવ મહિનાના સમયગાળામાં આઠ યુદ્ધો સમાપ્ત કરાવ્યા છે. ટ્રમ્પે કહ્યું, “હું જાણું છું કે ઇતિહાસમાં કોઈએ નવ મહિનાના સમયગાળામાં આઠ યુદ્ધો નથી ઉકેલ્યા. અને મેં આઠ યુદ્ધો રોક્યા છે… મેં આ પુરસ્કાર માટે નથી કર્યું. મેં આ કર્યું કારણ કે મેં ઘણા જીવ બચાવ્યા છે.”
ઇઝરાયેલી નેતાઓને સમર્થન આપવા અને વૈશ્વિક સંઘર્ષોનું નિરાકરણ લાવવાના ટ્રમ્પના દાવાઓ છતાં, AFPના અહેવાલ મુજબ એક નિષ્ણાતે દાવો કર્યો છે કે ટ્રમ્પને પુરસ્કાર મળવાની સંભાવના અસરકારક રીતે શૂન્ય છે. ટ્રમ્પનો નોબેલ પ્રત્યેનો પ્રેમ લાંબા સમયથી જાણીતો છે; 2020માં, તેમણે આને વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર કહ્યો હતો, પરંતુ જ્યારે તેઓ જીતી ન શક્યા, ત્યારે તેમણે ‘અંગૂર ખટ્ટે’ જેવુ વર્તન કરતાં કહ્યું હતું કે તેમાં ગેરરીતિ થાય છે.
ટ્રમ્પ જે યુદ્ધો સમાપ્ત કરવાનો દાવો કરી રહ્યા છે તેમાં ઇઝરાયેલ અને ઈરાન, ભારત અને પાકિસ્તાન, કોંગો અને રવાન્ડા, કંબોડિયા અને થાઇલેન્ડ, આર્મેનિયા અને અઝરબૈજાન, ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચેનો નીલ નદીના બંધનો વિવાદ, તેમજ સર્બિયા અને કોસોવોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે યુક્રેનના ચાલી રહેલા સંઘર્ષ પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને વચન આપ્યું હતું કે તેઓ “આ સમસ્યાનો પણ ઉકેલ લાવશે.” ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર નિહૉન હિડાન્ક્યોને એનાયત કરવામાં આવ્યો હતો, જે પરમાણુ શસ્ત્રો મુક્ત વિશ્વની હિમાયત કરતી જાપાની સંસ્થા છે.
આપણ વાંચો : ફિલિપાઇન્સમાં વહેલી સવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીની ચેતવણી