ઇન્ટરનેશનલ

‘મોડું થાય એ પહેલા અમારી સાથે ડીલ કરો…’, ટ્રમ્પે આ ટાપુ દેશને આપી ચેતવણી

વોશિંગ્ટન ડી સી: વેનેઝુએલા બાદ યુએસ હવે કેરેબિયનમાં ટાપુ દેશ ક્યુબા હુમલો કરી શકે છે, એક સોશિયલ મીડિયા પોસ્ટ પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સંકેતો આપ્યા હતાં. ટ્રમ્પે કહ્યું કે ખૂબ મોડું થઇ જાય,એ પહેલાં ક્યુબાએ યુએસ સાથે ડીલ કરવી જોઈએ. ટ્રમ્પે દાવો કર્યો કે ક્યુબા ઘણા વર્ષોથી વેનેઝુએલાથી મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ આયાત કરે છે અને વેનેઝુએલાના શાસકોને સુરક્ષા પૂરી પાડે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું, “ક્યુબાને હવે પેટ્રોલિયમ કે પૈસા નહીં મળે. હું ભારપૂર્વક સૂચન કરું છું કે ખૂબ મોડું થાય તે તેમણે ડીલ કરવી જોઈએ.”

ટ્રમ્પે લખ્યું, “ક્યુબા ઘણા વર્ષો સુધી વેનેઝુએલાથી મોટા પ્રમાણમાં આવતા પેટ્રોલિયમ અને પૈસા પર આધાર રાખતું હતું. પણ હવે નહીં! ગયા અઠવાડિયે વેનેઝુએલા પર યુ.એસ.ના હુમલામાં ક્યુબન નાગરિકો માર્યા ગયા હતાં. વેનેઝુએલાને હવે તે ગુંડાઓ અને ખંડણીખોરોથી રક્ષણની જરૂર નથી. વેનેઝુએલાના રક્ષણ માટે યુએસ સૈન્ય છે, જે વિશ્વનું સૌથી શક્તિશાળી સૈન્ય છે અને અમે તેમનું રક્ષણ કરીશું.”

ટ્રમ્પે પોસ્ટમાં કેટલાક અક્ષરો કેપિટલમાં લખ્યા હતાં, જે દર્શાવે છે કે તેઓ આ વાત ગંભીરતાથી કહી રહ્યા છે.

ક્યુબાની 30% પેટ્રોલિયમ જરૂરિયાત વેનેઝુએલા પૂરી પાડે છે. બદલામાં ક્યુબાના હજારો તબીબી કર્મચારીઓ વેનેઝુએલામાં સેવા આપે છે. વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડારો પર યુએસએ કબજો કરી લીધો છે. પેટ્રોલિયમની સપ્લાય બંધ થતાં ક્યુબાને મોટો ફટકો પડશે. બીજી તરફ વેનેઝુએલામાં કામ કરતા હજારો ક્યુબન નાગરીકો લોકો ચિંતિત છે. ક્યુબાના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button