‘અમે જવાબ આપીશું’ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ગંભીર આરોપ, સત્તા પર આવતા કરશે આ કામ
ડેટ્રોઇટ: યુએસ રાષ્ટ્રપતિની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. એક મીટીંગમાં તેમણે દાવો કર્યો કે જો તેઓ સત્તા પર આવશે, તો તેઓ રેસીપ્રોકલ ટેક્સ (Reciprocal tax) લાદશે અને ભારત જેવા દેશો પર ઉચ્ચ ટેરિફ લાદશે જે તેમના દેશમાં વિદેશી ઉત્પાદનો પર ઊંચા ચાર્જ વસૂલે છે.
ટ્રમ્પે કહ્યું કે જ્યારે યુએસ “ખરેખર વધારે ચાર્જ લેતું નથી”, ત્યારે ચીન 200 ટકા ટેરિફ વસૂલે છે અને સૌથી વધુ ચાર્જ કરવા વાળો દેશ ભારત છે, ભારત ઘણી રીતે ચીન કરતાં વધુ ચાર્જ વસૂલે છે.
ટ્રમ્પે ડેટ્રોઇટમાં એક ભાષણમાં કહ્યું કે, ‘સૌથી વધુ ટેરીફ લગાવનાર દેશ ભારત છે. ભારત સાથે અમારા ઘણા સારા સંબંધો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સાથે. તેઓ એક મહાન નેતા છે, ખરેખર એક મહાન માણસ છે. તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. પરંતુ તેઓ એટલો જ વધારે ચાર્જ વસુલે છે. મારો મતલબ, મને લાગે છે કે ભારત કદાચ ઘણી રીતે ચીન કરતાં વધુ ચાર્જ લે છે, તેઓ આ હસતા મોઢે કરે છે. આ પછી તેઓ કહે છે- ભારતમાંથી ખરીદી કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.”
ટ્રમ્પે ડેટ્રોઇટ ઇકોનોમિક ક્લબના સભ્યોને ટ્રંપે કહ્યું કે, ‘હાર્લી ડેવિડસનના પ્રતિનિધિઓ મારા કાર્યકાળના ત્રીજા વર્ષ કે બીજા વર્ષ દરમિયાન વ્હાઇટ હાઉસમાં આવ્યા હતા. હું તેમને મળ્યો, મેં કહ્યું, બીઝનેસ કેવો ચાલે છે? તેણે કહ્યું- ઠીક છે, ઠીક છે. પછી મેં પૂછ્યું- ક્યા દેશમાં ખરાબ સ્થિતિ છે? તેમણે કહ્યું ભારત ખૂબ કડક છે. અને તેમણે મને બીજા કેટલાક દેશોના નામ પણ જણાવ્યા. મેં પૂછ્યું- કેમ? તેમનો જવાબ હતો- ટેરિફ. મેં કહ્યું, તેઓ કેટલો ચાર્જ કરે છે? અને તેણે કહ્યું 150 ટકા… આ મોટી રકમ છે.”
ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન 2019માં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટને યાદ કરતાં તેણે કહ્યું, ‘તે અદભુત ઇવેન્ટ હતી. તે 80,000 લોકો ઝૂમી રહ્યા હતા. મોદી સાથે મારા સંબંધ ખુબ સારા છે.’