ટ્રમ્પની જીત બાદ ઇમિગ્રન્ટ્સનું મોટા પાયે પલાયન! કેનેડિયન પ્રસાશન હાઈ અલર્ટ પર
ઓટાવા: તાજેતરમાં યુએસના રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચુંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત (Donald Trump won US election) થઇ છે, જેના કારણે યુએસના પાડોશી દેશ કેનેડિયન પ્રસાશનની ચિંતા વધી ગઈ છે. અત્યાર સુધી યુએસમાં ગેરકાયદે આશ્રય લઇ રહેલા ઇમિગ્રન્ટ્સ કેનેડામાં આશ્રય લેવા પલાયન (Immigrants flea to Canada) કરી રહ્યા છે. કેનેડિયન પ્રસાશને યુએસ બોર્ડર નજીકથી સર્વેલન્સ વધારી દીધું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક દેશનિકાલને અમલમાં મૂકવાનું વચન આપ્યું હતું, હવે ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ ડોક્યુમેન્ટ વગરના ઇમિગ્રન્ટ્સમાં ગભરાટ ફેલાયો છે; ખાસ કરીને લઘુમતી સમુદાયોના લોકો, પડોશી દેશ કેનેડામાં આશ્રય મેળવવા પલાયન કરી રહ્યા છે. ટ્રમ્પે પ્રચાર દરમિયાન, ઘણીવાર દાવો કર્યો હતો કે ઇમિગ્રન્ટ્સ “આપણા દેશના લોહીમાં ઝેર ફેલાવી રહ્યા છે.”
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ પ્રવક્તા એ જણાવ્યું કે “અમે હાઇ એલર્ટ પર છીએ. બોર્ડર પરની સ્થિતિ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ… કારણ કે અમે જાણીએ છીએ કે ઇમિગ્રેશન પર ટ્રમ્પના વલણથી કેનેડામાં ગેરકાયદેસર અને અનિયમિત ઘૂસણખોરી થઈ શકે છે.”
તેમણે કહ્યું કે, “જો લોકો દરેક જગ્યાએ મોટી સંખ્યામાં બોર્ડર ક્રોસ કરવા એકઠા થશે તો મોટો સમસ્યા ઉભી થશે. માની લો કે દરરોજ 100 લોકો સરહદ પાર કરે છે, તો પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની જશે કારણ કે અમારા અધિકારીઓને દરેક ઘૂસણખોરની ધરપકડ કરવા માટે લાંબુ અંતર કાપવું પડશે.”
કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે શુક્રવારે કેન્દ્રીય પ્રધાનોના જૂથ સાથે બેઠક કરી હતી. કેન્દ્રીય પ્રધાનોના આ જૂથને કેનેડા અને ટ્રમ્પ પ્રસાશન વચ્ચે ઉભા થઇ શકતા મુદ્દાઓને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે.
તેમણે ખાતરી આપી કે કેનેડામાં ઇમિગ્રન્ટ્સના આગમનમાં સંભવિત વધારા માટે અમે તૈયાર છીએ. અમારી પાસે એક યોજના છે. કેનેડિયનોને ખાતરી આપીએ છીએ કે આપણી સરહદો સલામત અને સુરક્ષિત છે અને અમે તેના પર નિયંત્રણ રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો…..બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…
યુએસ ચૂંટણી બાદ યુ.એસ.માંથી કેનેડા જવા વિશે ગૂગલ સર્ચ દસ ગણું વધી ગયું. ઇમિગ્રેશન અને રિલોકેશન સર્વિસ અંગેના પ્રશ્નો પુછાઈ રહ્યા છે.
ચેકપોઈન્ટ્સથી બચીને કેનેડામાં ગેરકાયદેસર પ્રવેશવું જોખમી છે, ખાસ કરીને શિયાળામાં, તો પણ ઘણા લોકો આ જોખમ લે છે અને ગંભીર પરિણામો પણ ભોગવે છે.