યુએસ સેના ફરી અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરશે! ટ્રમ્પે તાલિબાન સરકારને કેમ આપી ધમકી?

વોશિંગ્ટન ડી સી: વર્ષ 2020-21 માં યુએસ અને નાટો સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ તાલિબાને સત્તા પર કબજો મેળવ્યો હતો. હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં ફરી યુએસ સેનાના પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનને ધમકી આપી છે કે જો તાલિબાન સરકાર બગરામ એરબેઝ યુએસ સેનાને પાછું નહીં આપે તો ખરાબ પરિણામ ભોગવવા (Donald Trump about Bagram air base) પડશે.
બગરામ એર બેઝ અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતમાં ચારિકર શહેરથી 11 કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવેલું છે, જેનું નિર્માણ યુએસ સેના દ્વારા કરવામાં આવ્યું હતું, હાલ આ એર બેઝ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે. હાલ મધ્યપૂર્વમાં સતત વધી રહેલા તાણવ વચ્ચે ટ્રમ્પે આ એર બેઝ પાછું મેળવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
ટ્રમ્પે તેમની માલિકીના સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, “જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ તેના નિર્માતા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને પાછું નહીં આપે, તો ખરાબ પરિણામ આવી શકે છે!!!”
અગાઉ યુનાઇટેડ કિંગડમ મુલાકાત દરમિયાન ટ્રમ્પે બગરામ બેઝ પર ફરીથી નિયંત્રણ મેળવવા અંગે વાત કરી હતી, હવે તેમણે જાહેરમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. અગાઉ અફગાનિસ્તાનના ચીન સાથે વધી રહેલા સંબંધો મામલે ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે.
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, “અમે એરબેઝ પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તમને કદાચ આ બ્રેકિંગ ન્યૂઝ લાગી શકે છે.”
યુએસની લશ્કરી કાર્યવાહીનું મુખ્ય મથક:
11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુયોર્કમાં થયેલા આતંકવાદી હુમલા બાદ યુએસ સેનાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો અને તાલિબાન સામે યુદ્ધ શરુ કર્યું હતું. બગરામ એર બેઝ યુએસની લશ્કરી કાર્યવાહીનું મુખ્ય મથક રહ્યું હતું, જ્યાંથી ઘણા મિશન પાર પાડવામાં આવતા હતાં.
બગરામ એરબેઝ ખાતે યુએસ સેના દ્વારા માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાના પણ આરોપો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, હ્યુમન રાઇટ્સ વોચ અને અન્ય સંગઠનો ઉઠાવી ચુક્યા છે.
ટ્રમ્પની મધ્યસ્થી કરાયેલા શાંતિ કરારના ભાગ રૂપે જુલાઈ 2021 માં યુએસ અને નાટો સૈનિકોએ બગરામ એર બેઝ ખાલી કરી દીધું હતું. અહેવાલ મુજબ જો યુએસ બગરામ એર બેઝ પર ફરીથી કબજો મેળવવા ઇચ્છતું હોય તો આશરે 10,000 સૈનિકો તૈનાત કરવા પડશે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હજુ સુધી ટ્રમ્પની ધમકીનો જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો…ટેરિફ મામલે રોકાયેલી વાતચીત આગળ વધી રહી છેઃ રાહતના સંકેત