ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘થેન્ક યુ’ કેમ કહ્યું? શું હવે પ્રદર્શનકારીઓની મદદ નહીં કરે

વોશિંગટન ડીસી: ઈરાનમાં મોટાપાયે સરકાર સામે જનઆંદોલન ચાલી રહ્યું છે. ઈરાનની આર્મી સાથેની અથડામણોમાં અત્યારસુધી 2500થી વધુ પ્રદર્શનકારીઓના મોત થઈ ચૂક્યા છે. આવા સમયે અમેરિકા પ્રદર્શનકારીઓના સમર્થનમાં આવીને ઊભું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓ માટે મદદ મોકલવાની વાત કરી છે અને સાથોસાથ ઈરાનને ચેતવણી પણ આપી છે. જોકે, હવે ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સરકારને ‘થેન્ક યુ’ પણ કહ્યું છે. પ્રદર્શનકારીઓના સમર્થનમાં આવેલા ડૉનાલ્ડ ટ્રમ્પે આવું કેમ કહ્યું? એવો સવાલ ઘણા લોકોના મનમાં થઈ રહ્યો છે.
ડૉનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને ‘થેન્ક યુ’ કહેવાનું કારણ
ઈરાન પર હુમલો કરવાની ચેતવણી આપનાર ડૉનાલ્ડ ટ્રમ્પે અચાનક ઈરાનની સરકારને ‘થેન્ક યુ’ કહેતા લોકોના મનમાં કૂતુહલ સર્જાયું છે. જોકે, ડૉનાલ્ડ ટ્રમ્પનું ઈરાન સરકારને ‘થેન્ક યુ’ કહેવાનું કારણ કઈક જુદુ જ છે. ઈરાને અગાઉ 800થી વધુ રાજનૈતિક કેદીઓને ફાંસી આપવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે ઈરાનની સરકાર દ્વારા આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો છે.

વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “ઈરાને 800થી વધુ લોકોની ફાંસી રદ્દ કરી દીધી છે. હું આ વાતનું સન્માન કરું છું કે આનો રદ્દ કરવામાં આવ્યું છે.” ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “હું એ હકીકતનો ખૂબ જ આદર કરું છું કે ગઈકાલે જે તમામ નિર્ધારિત ફાંસી (800 થી વધુ) થવાની હતી, તેને ઈરાનના નેતૃત્વ દ્વારા રદ કરવામાં આવી છે. આભાર!”
મીડિયાએ ડૉનાલ્ડ ટ્રમ્પને ઈરાનને મદદ મોકલવા વિશે સવાલ કર્યો હતો. ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, “જોઈશું.” ડૉનાલ્ડ ટ્રમ્પે એ વાતને પણ ફગાવી દીધી હતી કે અરબ અથવા ઈઝરાયલના અધિકારીઓએ તેમને પ્રભાવિત કર્યા છે. ટ્રમ્પે જોર આપીને કહ્યું કે, “કોઈએ મને રાજી કર્યો નથી. હું જાતે રાજી થયો છું.”
આ પણ વાંચો…ઈરાન મામલે એક થયા આરબ દેશો, હુમલો નહીં કરવા રાષ્ટ્રપતિ ટ્રમ્પને કરી અપીલ…



