
લંડનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દાવો કર્યો કે જો તેમણે સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત અને તમામ વેપાર વાટાઘાટો બંધ કરવાની ધમકી ન આપી હોત તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે યુદ્ધ ચાલી રહ્યું હોત.
સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની સત્તાવાર વાટાઘાટો પહેલા મીડિયાને સંબોધતા ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત વિશ્વભરમાં ‘છ મોટા યુદ્ધો’ને અટકાવવા માટે પગલાં લેવાનો શ્રેય લીધો હતો. ટ્રમ્પ હમાસ સાથે યુદ્ધવિરામ વાતચીત નિષ્ફળ ગયાના થોડા કલાકો પછી ગાઝામાં સંઘર્ષનો અંત લાવવા માટે ઇઝરાયલ પર દબાણ કરવા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

સ્કોટલેન્ડના સાઉથ આયરશાયરમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે અમારી પાસે ઘણા યુદ્ધવિરામ ચાલી રહ્યા છે. જો હું ન હોત તો છ મોટા યુદ્ધો ચાલી રહ્યા હોત- ભારત પાકિસ્તાન સાથે લડી રહ્યું હોત. શુક્રવારથી સ્કોટલેન્ડની ખાનગી મુલાકાતે રહેલા ટ્રમ્પે કહ્યું કે આપણી પાસે ઘણા બધા હોટસ્પોટ છે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું હતું. મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન ખૂબ મોટા હોટસ્પોટ હતા, કારણ કે તમે બે પરમાણુ રાષ્ટ્રો વિશે વાત કરી રહ્યા છો. તે ખૂબ જ મોટું હોટસ્પોટ હતું.
ટ્રમ્પે જણાવ્યું કે હું પાકિસ્તાન અને ભારતના નેતાઓને ઓળખું છું. હું તેમને ખૂબ સારી રીતે ઓળખું છું. અને તેઓ વેપાર કરારના મધ્યભાગમાં છે, અને છતાં તેઓ પરમાણુ શસ્ત્રો વિશે વાત કરી રહ્યા છે. તે પાગલપન છે. તેથી મેં કહ્યું કે હું તમારી સાથે કોઇ વેપાર સોદો નથી કરી રહ્યો. અને તેઓ વેપાર સોદો ઇચ્છે છે, તેમને તેની જરૂર છે. મેં કહ્યું જો તમે યુદ્ધ કરવા જઇ રહ્યા છો તો હું તમારી સાથે કોઇ વેપાર સોદો કરવાનો નથી.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, તો તે દરેક જગ્યાએ ફેલાઇ છે અને ખૂબ જ ખરાબ ઘટનાઓ બને છે. તેથી જ કદાચ અમે યુદ્ધો અટકાવવામાં થોડા સ્વાર્થી બની રહ્યા છીએ. પરંતુ અમે ઘણા યુદ્ધો અટકાવ્યા છે અને આવું કરવું અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે.
અત્રે નોંધનીય છે કે ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની જવાબી લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કોઇ પણ મધ્યસ્થીના દાવાઓને ભારતે વારંવાર નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો…ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી મેદાનમાં: કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા વેપાર રોકવાની આપી ધમકી