ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના પ્રયાસો છોડી દેશે! માર્કો રુબિયોએ આપ્યું અલ્ટીમેટમ

પેરિસ: ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) અંગે યુએસનું વલણ બદલાઈ ગયું છે. થોડા મહિના અગાઉ ડોનાલ્ડ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે જાહેરમાં બોલચલ પણ થઇ હતી.
ત્યાર બાદ યુએસએ યુક્રેનને લશ્કરી સહાય રોકી દીધી હતી. હવે યુએસએ વધુ એક ચોંકાવનારો નિર્ણય લેવા જઈ રહ્યું છે. યુએસએ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરારમાંથી ખસીની ધમકી આપી છે.
સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ શુક્રવારે જણાવ્યું કે જો કોઈ સ્પષ્ટ પ્રગતિ ન દેખાય તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર કરવાના પ્રયાસો છોડી દેવા માટે તૈયાર છે.
આપણ વાંચો: રશિયા અને યુક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલી કરી, પ્રિયજનો વચ્ચે પહોંચતા જ આંખો છલકાઈ
યુએસ સમય વેડફવા નથી ઇચ્છતું
માર્કો રુબિયોએ પેરિસની મુલાકાત દરમિયાન યુરોપિયન અને યુક્રેનિયન અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન કહ્યું “અમે આને અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી લંબાવવાના નથી ઈચ્છતા.
આપણે ઝડપથી થોડા દિવસોમાં નિર્ણય લેવાની જરૂર છે કે આગામી અઠવાડિયામાં કોઈ ડીલ થઇ શકે એમ છે કે નહીં. જો ડીલ થઇ શકે હોય તો અમે પ્રતિબદ્ધ છીએ. જો ડીલ શકે એમ ન હોય, તો અમે અમારું ધ્યાન અન્ય પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત કરીશું.”
રુબિયોએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ હજુ પણ ડીલ સુધી પહોંચવા ટેકો આપે છે, તેમણે સ્પષ્ટ કર્યું કે જો વાટાઘાટો આગળ નહીં વધે તો ટ્રમ્પ વહીવટી તંત્ર ખસી જવા પણ તૈયાર છે.
ફ્રાન્સે યુક્રેન અને તેની સુરક્ષા અંગે ચર્ચા કરવા માટે ઉચ્ચ-સ્તરીય વાટાઘાટોનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પછી પ્રથમ વખત ટોચના અમેરિકન, યુક્રેનિયન અને યુરોપિયન અધિકારીઓ યુદ્ધના અંત અંગે ચર્ચા કરવા માટે એકસાથે મળ્યા હતાં.
આપણ વાંચો: યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા
યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ નિષ્ફળ રહ્યા!
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે પદ સંભાળ્યાના 24 કલાકમાં તેઓ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવશે, જો કે પછી તેમણે આ ડેડલાઈન આગળ વધારી હતી,. તેમણે એમ કહ્યું હતું કે એપ્રિલ અથવા મે સુધીમાં યુદ્ધનો ઉકેલ આવી શકે છે. જોકે, યુદ્ધ વિરામના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.