‘હું મારો સમય બગાડવાનો નથી…’ ટ્રમ્પે પુતિનને મળવાનો ઇનકાર કર્યો

વોશિંગ્ટન ડી સી: યુનાઈટેડ સ્ટેટ્સ(US)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પોણા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સતત નિષ્ફળ જઈ રહ્યા છે. એવા અહેવાલો હતા કે ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હંગેરીમાં બેઠક કરી શકે છે. હવે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે યુદ્ધ વિરામ અંગે કોઈ કરાર ન થાય ત્યાં સુધી તેઓ પુતિનને નહીં મળે.
યુક્રેન યુદ્ધવિરામની શરતો પર ચર્ચા કરવા ટ્રમ્પ અને પુતિન હંગેરીના બુડાપેસ્ટમાં બેઠક કરી શકે એવા અહેવાલો હતાં, પરંતુ આ મુલાકાત ન થઇ શકી. યુએસ રાષ્ટ્રપતિના સત્તાવાર એરક્રાફ્ટ એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું. “હું મારો સમય બગાડવાનો નથી, વ્લાદિમીર પુતિન સાથે મારા હંમેશા સારા સંબંધો રહ્યા છે, પરંતુ આ મુદ્દો ખૂબ જ નિરાશાજનક છે.”
ટ્રમ્પ અને પુતિન વચ્ચે છેલ્લે 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં મુલાકાત થઇ હતી. એ સમયે બંને પક્ષોએ આ બેઠકને સફળ ગણાવી હતી, એ સમયે આશા બંધાઈ હતી કે યુદ્ધનો અંત લાવવા માટે ટૂંક સમયમાં શાંતિ કરાર થઇ શકે છે.
યુદ્ધ વધુ ભીષણ બની શકે છે?
હાલ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે એવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી, શનિવારે રશિયાએ યુક્રેન પર મિસાઇલ અને ડ્રોન વડે કરેલા હુમલાઓમાં ચાર લોકોના મોત થયા હતાં અને 20 લોકો ઘાયલ થયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તાજેતર ટ્રમ્પ સાથેની બેઠકમાં લાંબા અંતરની મિસાઇલો આપવા અપીલ કરી હતી.
રશિયાએ તેના પરમાણુ હથીયારો લોન્ચ કરવાની તૈયારી કરવા કવાયત હાથ ધરી હતાં, એવામાં યુદ્ધ વધુ ભીષણ બની શકે છે.
આ પણ વાંચો…રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પ-પુતિનની બુડાપેસ્ટ બેઠક મુલતવી, શાંતિ પ્રયાસોને મોટો ફટકો…
 
 
 
 


