જો ટ્રમ્પ 2022માં રાષ્ટ્રપતિ હોત તો…અલાસ્કાની બેઠકમાં પુતિને કરી મોટી વાત…

અલાસ્કા: જેના પર સમગ્ર વિશ્વની નજર હતી, એવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ ગઈ છે.
અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા અને બેઠકમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે અલાસ્કા ખાતે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં વ્લાદિમીર પુતિને ડૉનાલ્ડ ટ્રમ્પને લઈને એક મોટી વાત કરી છે.
જો 2022માં ડૉનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત….
2022થી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અલાસ્કા ખાતેની મિટિંગમાં ચર્ચા થાય તેવી શક્યતા હતી. અલાસ્કા જવા રવાના થયેલા ટ્રમ્પે જણાવ્યું હતું કે, જ્યાં સુધી રશિયા-યુક્રેન યુદ્ધ અટકશે નહીં, ત્યાં સુધી કોઈપણ પ્રકારનો વેપાર થઈ શકશે નહીં.
2022માં ડૉનાલ્ડ ટ્રમ્પના હાથમાં અમેરિકાની સત્તા ન હતી. તેઓ અવારનવાર એવો દાવો કરતા રહ્યા છે કે, જો મારા હાથમાં સત્તા હોત તો રશિયા-યુક્રેનનું યુદ્ધ ટાળી શક્યો હતો.
અલાસ્કા ખાતે યોજાયેલી બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડૉનાલ્ડ ટ્રમ્પના આ દાવાને સમર્થન આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, 2022 દરમિયાન મેં મારા અગાઉના અમેરિકાના સાથીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, પરિસ્થિતિ એટલી પણ વણસી ન જવા દેવી જોઈએ.
જેથી પાછું વળીને ન જોઈ શકાય. ખાસ કરીને ત્યારે જ્યારે દુશ્મનાવટની વાત આવે છે. મેં તે વખતે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે એક મોટી ભૂલ હતી. જો તે સમયે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત, તો યુદ્ધ ન થયું હોત.
યુદ્ધનો અંત જેટલો વહેલો આવે એટલું સારું રહેશે
ભૂતકાળ અમેરિકા-રશિયા સંબંધો સારા રહ્યા નથી. તેમ છતાં પુતિને કબૂલ્યું કે ‘પરિસ્થિતિ સુધારવી’ જરૂરી છે. વ્લાદિમીર પુતિને આગળ જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેં ખૂબ જ સારો, વ્યાવસાયિક અને વિશ્વાસપાત્ર સંપર્ક સ્થાપિત કર્યો છે.
મારી પાસે એવું માનવાનું દરેક કારણ છે કે આ માર્ગ પર આગળ વધીને, આપણે યુક્રેન સાથેના યુદ્ધના અંત સુધી પહોંચી શકીએ છીએ. તે જેટલું વહેલું થશે, તેટલું સારું રહેશે.’ પ્રેસ કોન્ફરન્સના અંતે વ્લાદિમીર પુતિને ટ્રમ્પના ‘મૈત્રીપૂર્ણ વાતચીતના સ્વર’નો સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચો…ટ્રમ્પ-પુતિન બેઠક પહેલાં ઝેલેન્સ્કીએ ભારતને લઈને આપ્યું નિવેદન: કહ્યું ‘આશા રાખીએ છીએ કે ભારત…