શું ત્રણ વર્ષ બાદ સમાપ્ત થશે Russia Ukraine War, ડોનાલ્ડ ટ્રમ્પે કહી આ વાત…

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી ચાલી રહેલા બે મોટા યુદ્ધ ઈઝરાયેલ- હમાસ અને રશિયા- યુક્રેનમાંથી ( Russia Ukraine War)હાલમાં જ ઈઝરાયેલ- હમાસ વચ્ચે શાંતિ સમજૂતીથી યુદ્ધ વિરામ થયો છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દરમિયાનગીરીથી રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા અંગે પુતિન સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે પુતિન આ યુદ્ધમાં મૃત્યુ પામતા લોકોથી ચિંતિત છે.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
રશિયન રાષ્ટ્રપતિ પણ ઇચ્છે છે કે લોકોનું મરવાનું બંધ થાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની હિમાયત કરી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે આ યુદ્ધને સમાપ્ત કરવા અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પણ ઇચ્છે છે કે લોકોનું મરવાનું બંધ થાય. વર્ષ 2022 માં યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચેની આ પ્રથમ વાતચીત છે.
આ યુદ્ધ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે
આ અંગે અમેરિકન અખબારના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી સાથે પુતિન પણ યુદ્ધમાં મરતા લોકોથી ચિંતિત છે. તેમણે કહ્યું જે લોકો મરી રહ્યા છે તે અમારા અને તમારા બાળકો જેવા છે. હું ઈચ્છું છું કે લોકોનું આ મૃત્યુ શક્ય તેટલું જલ્દી બંધ થાય. ટ્રમ્પે કહ્યું કે આ યુદ્ધ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. જો હું રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય શરૂ ન થયું હોત. પુતિન સાથે મારા સારા સંબંધો છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ બાઈડન પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમણે આપણા દેશ માટે શરમજનક પરિસ્થિતિ ઉભી કરી છે.
રશિયા શાંતિ માટે અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર
જ્યારે રશિયાના પ્રવક્તાને ટ્રમ્પના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત માટે લોકો કામ કરે છે. મને વ્યક્તિગત રીતે તેના વિશે કશી ખબર નથી. આ અગાઉ પણ ક્રેમલિનએ કહ્યું હતું કે રશિયા શાંતિ ઇચ્છે છે અને શાંતિ માટે અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.
Also read : ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ મેક્સિકોએ સરહદ પર 10,000 ગાર્ડ તૈનાત કર્યા
ટ્રમ્પ-પુતિન મુલાકાત ટૂંકમાં યોજાશે
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણી વાર કહી ચૂક્યા છે કે તેઓ આ યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માંગે છે. આ મામલે તેઓ ટૂંક સમયમાં પુતિનને મળશે. જોકે, આ બે વૈશ્વિક નેતાઓ ક્યારે મળશે તે અંગે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.