અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તોડશે અનેક પરંપરા…
અમેરિકામાં ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પર દુનિયાભરના લોકોની નજર મંડાયેલી છે. આ વખતના શપથ ગ્રહણ સમારોહમાં અનેક પરંપરાઓ તૂટવાની છે, અનેક એવી વસ્તુઓ થવાની છે, જે દાયકાઓમાં નથી થઇ.
ટ્ર્મ્પ શપથ ગ્રહણમાં પણ રેકોર્ડ બનાવશે:-
ટ્ર્મ્પનો શપથ ગ્રહણસમારોહ ખુલ્લા આકાશ નીચે નહીં થાય, પણ વોશિંગ્ટનના કેપિટોલ હિલ ખાતે ઇનડોર યોજાશે. અત્યાર સુધી આ સમારોહ આઉટડોર યોજાતા હતા. જોકે, કોઇ દુશ્મની કે હુમલાના ડરથી આ સમારોહ ઇનડોર નથી યોજાઇ રહ્યો, પણ હાલમાં અહીં સખત ઠંડી અને હિમવર્ષા થઇ રહી છે. તેથી આ સમારોહ અમેરિકન સંસદની અંદર રોટુન્ડા હોલમાં યોજાઇ રહ્યો છે. અમેરિકાના ઇતિહાસમાં 40 વર્ષ બાદ પ્રથમ વાર રાષ્ટ્રપતિ સંસદની અંદર શપથ ગ્રહણ કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે આ સમારોહ યોજાશે. અમેરિકાના ચીફ જસ્ટિસ જૉન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ ગ્રહણ કરાવશે.
ચાર વર્ષના અંતરાલ બાદ વ્હાઇટ હાઉસમાં વાપસીઃ-
અમેરિકાની રાજનીતિમાં વ્હાઇટ હાઉસ છોડ્યાના ચાર વર્ષ બાદ વ્હાઇટ હાઉસમાં પરત ફરવું અશક્ય માનવામાં આવે છે, પણ ટ્રમ્પે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાજસિંહાસને બિરાજી રહ્યા છે અને એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના રેકોર્ડની બરાબરી કરી રહ્યા છે. ગ્રોવર ક્લેવલેન્ડ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે 131 વર્ષ પહેલા આવો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 1885થી 1889 અને ચાર વર્ષના ગાળા બાદ ફરીથી 1893થી 1897 એમ બે વાર અમેરિકાનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યું હતું. ગ્રોવર ક્લેવલેન્ડ બાદ ટ્રમ્પ હવે બીજા અમેરિકન પ્રમુખ બન્યા છે, જે ચાર વર્ષના અંતરાલ બાદ વ્હાઇટ હાઉસમાં વાપસી કરી રહ્યા છે.
Also read: ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા આયોજિત ડિનર સમારોહમાં છવાયા નીતા અંબાણી
બાઇડેનના શપથ ગ્રહણમાં ટ્રમ્પ હાજર નહીં રહ્યાઃ-
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ અમેરિકન લોકતંત્રનો હિસ્સો ગણાતી ઘણી પરંપરાઓ તૂટી હતી. 2020માં જ્યારે બાઇડેન ચૂંટણી જીત્યા હતા, ત્યારે ટ્રમ્પે જાહેર કર્યું હતું કે આ ચૂંટણી ખરેખર તો ડેમોક્રેટિક પક્ષના બાઇડેને નહી, પણ તેમણે જ જીતી છે. તેઓ બાઇડેનના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ નહોતા થયા અને પરંપરા તોડી હતી. અમેરિકામાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિના શપથગ્રહણમાં વિદાય લઇ રહેલા જૂના રાષ્ટ્રપતિ હાજર રહે છે, નવા રાષ્ટ્રપતિને અભિનંદન આપે છે અને તેમને સત્તાનું હસ્તાંતરણ કરે છે, પણ ટ્રમ્પે આ પરંપરા ફગાવી દીધી હતી.
શપથગ્રહણ સમારોહમાં અનેક દેશોના વડાઓને આમંત્રણઃ-
શપથગ્રહણ સમારોહમાં ઇટલીની વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની,હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓબાન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી હાજરી આપે એવી અપેક્ષા છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન આ પ્રસંગમાં હાજરી આપવાના નથી. જર્મની, જાપાન અને ઑસ્ટ્રેલિયા જેવા મિત્ર દેશોએ પણ તેમના પ્રતિનિધિને મોકલવાનું નક્કી કર્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, શી જિનપિંગને સ્થાને ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં ઉપસ્થિત રહેશે. આ પ્રથમ વાર છે જ્યારે ચીનના કોઇ નેતા આવા પ્રસંગે હાજર રહેશે. તે જ સમયે ભારત તરફથી વિદેશ પ્રધાન એસ. જયશંકર આ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
બિઝનેસ લીડર્સોને આમંત્રણઃ-
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ સમારોહમાં ભાગ લેશે. આ ઉપરાંત ટ્રમ્પના સલાહકાર ઇલોન મસ્ક, મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પણ આ સમારોહમાં સામેલ થવાના છે. આમ ટ્રમ્પનો બીજો શપથ ગ્રહણ સમારોહ ઘણી પરંપરાઓને તોડીને નવા રેકોર્ડ બનાવશે. ડોનાલ્ડ ટ્રમ્પેએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ શપથ ગ્રહણ કર્યા બાદ યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેશે. તેમના બીજા કાર્યકાળના પહેલા દિવસે તેઓ રેકોર્ડ સંખ્યામાં ફાઇલો પર હસ્તાક્ષર કરશે અને આદેશો જારી કરશે.