જો શાંતિ ન સ્થપાઈ તો…ડૉનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’ને લઈને પુતિને કરી મહત્ત્વની વાત…

વોશિંગટન ડીસી, મોસ્કો: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેને અટકાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, આ અંગેના અગાઉના પ્રયાસોમાં ડૉનાલ્ડ ટ્રમ્પને સફળતા મળી નથી. પરંતુ હવે તેઓ એક ‘શાંતિ યોજના’ (Peace Plan) લઈને આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, આ ‘શાંતિ યોજના’ રશિયા-યૂક્રેન યુદ્ધના સમાધાનનો આધાર બનશે. આ શાંતિ યોજનાને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની પ્રતિક્રિયા આપી છે.
જો શાંતિ ન સ્થપાઈ તો…
વ્લાદિમીર પુતિને એક ટીવી પ્રોગ્રામ દરમિયાન અમેરિકાની ‘શાંતિ યોજના’ અંગે પોતાના અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, “મારું માનવું છે કે ‘શાંતિ યોજના’નો અંતિમ શાંતિપૂર્ણ કરારના આધાર તરીકે ઉપયોગ થઈ શકે છે. જોકે, આ યોજના અંગે રશિયાના અધિકારીઓ સાથે કોઈ વિસ્તૃત વાતચીત થઈ નથી.”
પુતિને આગળ જણાવ્યું કે, “યૂક્રેન આ ‘શાંતિ યોજના’નો વિરોધ કરી રહ્યું છે. પરંતુ કિવ કે બીજા યુરોપીય દેશ આ હકીકતને સમજી રહ્યા છે. રશિયાની સેના આગળ વધી રહી છે અને જો શાંતિ ન સ્થપાઈ તો હજુ પણ આગળ વધતી રહેશે.”
ઉલ્લેખનીય છે કે, ‘શાંતિ યોજના’ને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, રશિયાનું આક્રમણ રોકવા માટે તૈયાર કરવામાં આવેલી ‘શાંતિ યોજના’ને યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ પસંદ કરવી પડશે અને તેને મંજૂરી પણ આપવી પડશે.
‘શાંતિ યોજના’ની શરતો શું છે?
રશિયા-યૂક્રેનનું યુદ્ધ અટકાવવા માટે અમેરિકાએ 28 મુદ્દાઓની ‘શાંતિ યોજના’ તૈયાર કરી છે. આ ‘શાંતિ યોજના’ અનુસાર, યૂક્રેને કેટલોક વિસ્તાર છોડવો પડશે. પોતાની લશ્કરી મર્યાદાઓનો પણ સ્વીકાર કરવો પડશે અને નાટોમાં જોડાવાની પોતાની મહત્ત્વકાંક્ષા પણ છોડવી પડશે. આ ‘શાંતિ યોજના’માં રશિયાને પણ કેટલાક એવા વિસ્તારમાંથી પોતાનું સૈન્ય હટાવી લેવાનું કહેવાયું છે, જ્યાં તે પોતાના કબજો કરીને બેઠું છે.
આ પણ વાંચો…અમેરિકાના શાંતિ પ્રસ્તાવની શરતોથી યુક્રેન લાલઘૂમ, ‘વાહિયાત’ ડીલ પર ટ્રમ્પ સાથે કરશે ચર્ચા!



