ટ્રમ્પ ફેડરલ રિઝર્વના અધ્યક્ષની હકાલપટ્ટી કરી શકે છે? માર્કેટમાં ખળભળાટ, જાણો ટ્રમ્પે શું કહ્યું | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ટ્રમ્પ ફેડરલ રિઝર્વના અધ્યક્ષની હકાલપટ્ટી કરી શકે છે? માર્કેટમાં ખળભળાટ, જાણો ટ્રમ્પે શું કહ્યું

વોશિંગ્ટન ડી સી: બુધવારે એવા અહેવાલો વહેતા થયા હતાં કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ(Jerome Powell) ની હકાલપટ્ટી કરી શકે છે. આવી અટકળોને કારણે ભારે ઉહાપોહ મચી ગયો હતો. નાણાકીય બજારોમાં ભારે ઉથલપાથલ મચી જવાની શક્યતા સેવાઈ રહી હતી. એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરીને આવી અટકળો પર ઠંડુ પાણી રેડી દીધું છે. તેમને કહ્યું કે તેઓ પોવેલને હટાવવા અંગે વિચારી રહ્યા નથી.

અહેવાલ મુજબ ટ્રમ્પે રિપબ્લિકન સાંસદો સાથે બંધ બારણે બેઠક કરી હતી, જેમાં તેમણે પોવેલને હટાવવાની વાત કરી હતી, આ વાત મીડિયામાં લીક થઇ ગઈ હતી.

યુએસના મીડિયા અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ તેમને જણાવ્યું હતું કે ટ્રમ્પ ટૂંક સમયમાં ફેડરલ રીઝર્વના વડા સામે પગલાં ભરશે. મંગળવાર સાંજની બેઠક પછી કેટલાક રિપબ્લિકન સાંસદોનો પણ આ જ અભિપ્રાય હતો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોવેલ વિરુદ્ધ પગલાં લેવા પર મતદાન કર્યું હતું.

ફેડરલ રિઝર્વન અધ્યક્ષ તરીકેનો પોવેલનો કાર્યકાળ મે 2026માં પૂર્ણ થાય એ પહેલા તેમને હટાવવાની શક્યતાની વાત જાહેર થતા ખળભળાટ મચી ગયો હતો. પત્રકારોને ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ પોવેલને કાઢી મૂકવા માંગે છે? ત્યારે જવાબ આપતા તેમણે કહ્યું કે તેઓ પોવેલને હટાવવાની યોજના નથી.

જ્યારે ટ્રમ્પને ફરી પૂછવામાં આવ્યું કે કે શું તેઓ પોવેલને બરતરફ કરવાના અહેવાલોને સંપૂર્ણપણે નકારી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે “એવું થવાની શક્યતા ખુબ જ ઓછી છે.”

પોવેલ સામે આરોપ:

એક અહેવાલ મુજબ છેતરપિંડીના આરોપસર માટે પોવેલને દૂર કરવા પગલા ભરવામાં આવી શકે છે. તાજેતરમાંટ્રમ્પ અને રીપબ્લીકન સાંસદોએ ફેડરલ રીઝર્વના વોશિંગ્ટન હેડકવાર્ટરમાં રીનોવેશન કામ બદલ માટે પોવેલની ટીકા કરી હતી, આરોપ લગાવવામાં આવ્યો કે આ કામમાં વધુ પડતો ખર્ચ કરવામાં આવ્યો છે.

પોવેલે રીનોવેશન અંગેના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતાં. પોવેલે એમ પણ કહ્યું છે કે ફેડરલ રીઝર્વમાં લીડરશીપમાં પર રહેલા લોકોને બરતરફ કરવાનો અથવા ડિમોટ કરવાનો રાષ્ટ્રપતિ પાસે કોઈ કાયદાકીય અધિકાર નથી.

પોવેલને હટાવવાથી નાણાકીય બજારોમાં ભારે ઉથલપાથલ થવા શક્યતા છે. જો કે ટ્રમ્પે પોવેલ હટાવવાના અહેવાલો ફગાવતા શેરબજાર અને ડોલરમાં થયેલો ઘટડો ઓછો થયો હતો.

આ પણ વાંચો…અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ વોરની અવળી અસર, 371 કંપનીઓએ નાદારી માટે અરજી કરી

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button