ભારત-પાક યુદ્ધવિરામ માટે ટ્રમ્પનો કોઈ ફાળો નહીં, એસ. જયશંકરે વોશિંગ્ટનમાં જ કરી સ્પષ્ટતા

વોશિંગ્ટન ડી સી: મે મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણા પર ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ કાર્યવાહી કરી હતી, ત્યાર બાદ બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ જામ્યો હતો. જોકે પાંચ દિવસ બાદ બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા હતાં. ત્યાર બાદથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દાવો કરતા આવ્યા છે કે તેમની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે તૈયાર થયા હતાં. એવામાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ફરી એકવાર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધ વિરામનો નિર્ણય બંને દેશોના DGMO વચ્ચે થયેલી વાતચીતથી કરવામાં આવ્યો હતો.
ભારત વારંવાર વિરોધ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવા તેમણે વેપાર બંધ કરવાની ધમકી આપી હતી, જેના કારણે બંને દેશો શાંતિ માટે તૈયાર થયા હતાં. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્રમ્પના ટ્રેડ ડીલ અંગેના આ દાવાને પણ ફગાવી દીધો.
વોશિંગ્ટન ડી સીમાં ક્વાડ જૂથ(Quad group)ના સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની કોન્ફરન્સ બાદ પત્રકારો સાથે વાત કરતા એસ. જયશંકરે કહ્યું કે તે સમયે જે બન્યું તેનો રેકોર્ડ ખૂબ જ સ્પષ્ટ છે અને બંને દેશોના DGMO વચ્ચેની વાતચીત બાદ યુદ્ધવિરામ થયો હતો. તેમણે કહ્યું, ‘હું આ મુદ્દાને અહીં અંત લાવું છું.’
10 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારતના DGMO વચ્ચે વાતચીત થઇ, તેઓ સંમત થયા છે કે બંને દેશો લશ્કરી કાર્યવાહી બંધ કરશે.
તાજેતરના એક ઈન્ટરવ્યું દરમિયાન એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે 9 મેની રાત્રે જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી, ત્યારે તેઓ એ જ રૂમમાં હાજર હતા.
આ પણ વાંચો…ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે કરી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીત