ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુક્રેનના કયા ખજાના પર છે ટ્રમ્પની નજર? જાણો વિગત…

વોશિંગ્ટન ડીસીઃ રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ જીતશે તો યુદ્ધ બંધ કરાવી દેશે તેમ કહ્યું હતું. સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પ આ મુદ્દે આગળ વધી રહ્યા હોય તેમ લાગે છે. યુક્રેન અને અમેરિકા ખનિજ સમજૂતી પર કેટલીક શરતો પર સહમત થયા છે. યુક્રેનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, બંને દેશો સમજૂતીમાં મહત્ત્વના સંશોધનો માટે રાજી થઈ ગયા છે.

Also read : અમરેકિાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે કારણ

અહેવાલ પ્રમાણે, અમેરિકાએ યુક્રેનના ખનિજોના ઉપયોગથી 500 અબજ ડૉલરની કમાણી કરવાની શરત છોડી દીધી છે. આ સમજૂતી બદલ અમેરિકાએ યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપી નથી. ડીલ માટે યુક્રેનની આ મુખ્ય શરત હતી. અમેરિકા ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેંસ્કી આ સપ્તાહે ડીલ પર હસ્તાક્ષર કરવા વોશિંગ્ટન આવી શકે છે. આ પહેલા બંને નેતાએ એકબીજા સામે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાએ અત્યાર સુધી યુક્રેનને 300થી 500 અબજ ડૉલરની મદદ કરી છે. તેમણે ઝેલેંસ્કીને તાનાશાહ કહ્યો હતો અને યુદ્ધ શરૂ કરવા રશિયા નહીં પરંતુ યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું. આ ખનિજ સમજૂતીને રશિયા સામે યુક્રેનને અમેરિકાના સમર્થન તરીકેની મહત્ત્વની શરત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ તંત્રનું માનવું છે કે આ સમજૂતી રશિયા સાથે યુક્રેનના યુદ્ધવિરામની દિશામાં પ્રથમ પગલું હશે. રશિયાના રાષ્ટ્રપ્રુખ પુતિને પણ કહ્યું હતું કે તેઓ યુક્રેનના ખનિજો સુધી અમેરિકાની પહોંચમાં અડચણરૂપ નહીં બને. રશિયાએ કબજો જમાવેલા આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખનિજો છે. અમેરિકાએ આ સમજૂતી બદલ યુક્રેનને ભલે સુરક્ષાની ગેરંટી આપી ન હોય પરંતુ યુદ્ધવિરામની કોશિશમાં તેજી આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પની નજર યુક્રેનના જે રેયર અર્થ મિનરલ્સ પર છે તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક કારથી લઈ અત્યાધુનિક હથિયારો અને સૈન્ય શસ્ત્ર સામાન બનાવવામાં થાય છે. રેયર અર્થ મિનરલ્સના વૈશ્વિક પુરવઠામાં હાલ ચીનનો દબદબો છે. ચીનને રોકવા માટે ટ્રમ્પ રેયર અર્થ મિનરલ્સના ઉત્પાદન અને પુરવઠા પર અમેરિકાનો હિસ્સો વધારવાની કોશિશ કરી રહ્યા છે.

ચીન રેયર અર્થ મિનરલ્સના ખનન અને તેના પ્રોસેસિંગ મામલે સૌથી મોો દેશ બની ગયો છે. આ ખનિજોના ગ્લોબલ પ્રોડક્શનના 60 થી 70 ટકા હિસ્સા પર તેનો કબજો છ. પ્રોસેસિંગ ક્ષમતમાં પણ 90 ટકા હિસ્સો ચીનનો છે. રેયર અર્થ મિનરલ્સ માટે ચીન પર અમેરિકાની નિર્ભરતા ટ્રમ્પ તંત્ર માટે ચિંતાની વાત છે.

યુક્રેન પાસે 30 ખનિજોમાંથી 21 છે, જેને યુરોપિયન યુનિયન મહત્ત્વપૂર્ણ કાચા માલ તરીકે વર્ણવે છે. યુક્રેન પાસે રહેલા આ ખનિજોનો ભંડાર સમગ્ર વિશ્વમાં રેયર અર્થ મિનરલ્સ ભંડારના પાંચ ટકા છે. યુક્રેનના રેયર અર્થ મિનરલ્સના મોટાભાગના ભંડાર ક્રિસ્ટલાઇન શીલ્ડના દક્ષિણ વિસ્તારમાં સ્થિત છે. આ વિસ્તાર એઝોવ સમુદ્રની સીમામાં આવે છે. અહીંના મોટાભાગના વિસ્તારો હાલમાં રશિયાના કબજામાં છે.

હાલમાં યુક્રેન પાસે 19 મિલિયન ટન ગ્રેફાઇટનો ભંડાર છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં થાય છે. યુક્રેન પાસે ઇલેક્ટ્રિક વાહનો માટે ઉપયોગમાં લેવાતી બેટરી બનાવવા માટે જરૂરી લિથિયમનો ભંડાર પણ છે. યુરોપના સૌથી મોટા લિથિયમ ભંડારનો ત્રીજો ભાગ એકલા યુક્રેન પાસે જ છે.

રશિયાના હુમલા પહેલા, યુક્રેન વિશ્વના સાત ટકા ટાઇટેનિયમનું ઉત્પાદન કરતું હતું. તેનો ઉપયોગ વિમાનથી લઈને પાવર સ્ટેશન સુધીના દરેક વસ્તુના નિર્માણમાં થાય છે.

રશિયાએ યુક્રેનના દુર્લભ પૃથ્વી ખનિજોના કેટલાક ભંડાર પર કબજો કરી લીધો છે. યુક્રેનના આર્થિક બાબતોના મંત્રી યુલિયા સ્વિરિડેન્કોના જણાવ્યા અનુસાર, રશિયાએ લગભગ 350 બિલિયન ડૉલરના ખનિજ સંસાધનો પર નિયંત્રણ મેળવી લીધું છે.

રેયર અર્થ એ 17 રાસાયણિક રીતે સમાન તત્વોનું સામૂહિક નામ છે જેનો ઉપયોગ આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગોમાં થાય છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન, કમ્પ્યુટર, તબીબી સાધનો સહિત ઘણી વસ્તુઓના ઉત્પાદન અને ટેકનોલોજીમાં થાય છે. રેયર અર્થ મિનરલ્સમાં સ્કેન્ડિયમ, યટ્રીયમ, લેન્થેનમ, સેરિયમ, પ્રેસિડોનિયમ, નિયોડીમિયમ, પ્રોમેથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસપ્રોસિયમ, હોલમિયમ, એર્બિયમ, થુલિયમ અને લ્યુટેટિયમનો સમાવેશ થાય છે. આ ખનિજોને ‘દુર્લભ’ કહેવામાં આવે છે કારણ કે તેમનું શુદ્ધ સ્વરૂપ મળવું લગભગ દુર્લભ છે. જોકે, સમગ્ર વિશ્વમાં તેના કેટલાક ભંડાર છે.

Also read : યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને દર્શાવી તૈયારી, પણ રાખી આ શરત…

રેયર અર્થ મિનરલ્સ ઘણીવાર થોરિયમ અને યુરેનિયમ જેવા કિરણોત્સર્ગી તત્વો સાથે જોવા મળે છે. પરંતુ તેમને આનાથી અલગ કરવા માટે, ખૂબ જ ઝેરી રસાયણોની જરૂર પડે છે. તેથી તેમની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button