ટ્રમ્પની ચેતવણી બાદ ઈલોન મસ્ક નરમ પડ્યા! કહ્યું, ‘મને ખેદ છે કે…’

ન્યુ યોર્ક: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જીત અપાવવામાં ઉદ્યોગપતિ ઈલોન મસ્કે મહત્વનો ફાળો આપ્યો હતો. ફેબ્રુઆરી 2025માં રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ ટ્રમ્પે ઈલોન મસ્કને સરકારમાં મહત્વની જવાબદારી સોંપી હતી. પરંતુ સમય જતાં બંનેના સંબંધોમાં તિરાડ આવી પડી (Trump-Musk Dispute) હતી, છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે અણબનાવ જાહેર થયો હતો. બંનેએ એક બીજાને ખરીખોટી સંભળાવી હતી. હવે ઈલોન મસ્ક થોડા નરમ પડ્યા હોય એવું લાગી રહ્યું છે.
મસ્કે X પર કરેલી પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા વિવાદમાંથી પીછેહઠ કરી છે. મસ્કે તાજેતરના X પર લખ્યું કે, “ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે મેં કરેલી કેટલીક પોસ્ટ્સ પર મને ખેદ છે.”
કેમ શરુ થયો હતો વિવાદ?
મસ્કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના મહત્વકાંક્ષી ટેક્સ અને સ્પેન્ડિંગ બિલની જાહેરમાં ટીકા કરી હતી, ત્યાર બાદ બંને વચ્ચે આ લડાઈ ત્યારે શરૂ થઈ હતી. ટ્રમ્પે આ બિલને “A big beautiful bill” ગણાવ્યું હતું, જેની સામે મસ્કે નિરાશા વ્યકત કરી હતી. મસ્કે કહ્યું કે આ બિલથી ફેડરલ ખાધમાં વધારો થશે અને તેમના વિભાગ DOGEના કાર્યને નુકશાન પહોંચાડશે.
આ પણ વાંચો - લોસ એન્જલસમાં હિંસા બેકાબુ: પ્રદર્શનકારીઓએ Apple Storeમાં લૂંટ ચલાવી, ગાડીઓને આગ ચાંપી…
મસ્કે આ બિલ વિરુદ્ધ સતત નિવેદનો આપ્યા હતા અને લોકોને રિપબ્લિકન પાર્ટીના સાંસદો પર બદલો લેવા હાકલ કરી હતી, જે અંગે ટ્રમ્પ ગુસ્સે ભરાયા હતા. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો મસ્ક પ્રાઈમરી ચૂંટણીમાં રિપબ્લિકન સાંસદોના વિરોધી ઉમેદવારોને મદદ કરશે તો તેના ખૂબ ગંભીર પરિણામો આવશે.