ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નાગરિકતા માટે Gold Card યોજના જાહેર કરી, જાણો ભારતીયોને શું ફાયદો થશે ?

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં નાગરિકતા લેવા ઇચ્છતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે એક નવી ગોલ્ડ કાર્ડ(Gold Card)યોજનાની જાહેરાત કરી છે. જેનો ખર્ચ 5 મિલિયન ડોલર થશે અને તે ઇમિગ્રન્ટ્સને યુએસ નાગરિકતા મેળવવામાં મદદ કરશે. જોકે, જો તેનો અમલ થશે તો લાંબા સમયથી ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય વ્યાવસાયિકોની મુશ્કેલીઓમાં વધુ વધારો કરશે.
આ પણ વાંચો: ‘ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર નથી…’, ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન આપી મચાવ્યો ખળભળાટ
1 મિલિયન ડોલરનું રોકાણ કરનારા વિદેશીઓ માટે ઉપલબ્ધ
અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ ઇમિગ્રન્ટ્સ માટે 5 મિલિયન ડોલર એટલે રૂપિયા 43.54 કરોડની ફી પર યુએસ રહેઠાણ પરમિટ મેળવવાનો એક માર્ગ છે. ટ્રમ્પે કહ્યું કે તે વર્તમાન 35 વર્ષ જૂના EB-5 વિઝા પ્રોગ્રામનું સ્થાન લેશે. જે યુએસ વ્યવસાયોમાં લગભગ 1 મિલિયન ડોલરનું રોકાણ કરનારા વિદેશીઓ માટે ઉપલબ્ધ છે.
10 મિલિયન ગોલ્ડ કાર્ડ વિઝા ઉપલબ્ધ થવાની સંભાવના
અમેરિકાના રાષ્ટ્રપતિની વ્યવસાયિક માનસિકતાથી પ્રેરિત આ નવો કાર્યક્રમ એપ્રિલ સુધીમાં અમલમાં મુકાઈ શકે છે. જેમાં રૂઆતમાં લગભગ 10 મિલિયન ગોલ્ડ કાર્ડ વિઝા ઉપલબ્ધ થવાની સંભાવના છે. ટ્રમ્પે કહ્યું, આ કાર્ડ ખરીદવાથી, ધનિક લોકો આપણા દેશમાં આવશે. તેઓ વધુ ધનિક થશે અને સફળ થશે. તેઓ વધુ પૈસા ખર્ચ કરશે. તેઓ ઘણા લોકોને રોજગાર આપશે.
10 નવી નોકરીઓનું સર્જન કરવું જરૂરી
વર્તમાન EB-5 કાર્યક્રમ હેઠળ, વિદેશી રોકાણકારોએ યુએસ વ્યવસાયોમાં 800,000 થી 1,050,000 ડોલરની વચ્ચે રોકાણ કરવું અને ઓછામાં ઓછી 10 નવી નોકરીઓનું સર્જન કરવું જરૂરી છે. વિદેશી રોકાણ આકર્ષવા માટે 1990 માં શરૂ કરાયેલ આ કાર્યક્રમ પર વર્ષોથી દુરુપયોગ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નાગરિકતા તાત્કાલિક આપવામાં આવશે
પ્રસ્તાવિત ગોલ્ડ કાર્ડ વિઝા યોજના નાણાકીય જરૂરિયાતને પાંચ ગણી વધારીને 5 મિલિયન ડોલર કરે છે. ઊંચી કિંમત તેને મધ્યમ-સ્તરના રોકાણકારોની પહોંચની બહાર મૂકી દેશે. યુએસ રહેઠાણ મેળવવાનો આ એક ઝડપી અને સરળ રસ્તો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EB-5 કાર્યક્રમ હેઠળ પાંચથી સાત વર્ષમાં નાગરિકતા આપવામાં આવતી હતી, જ્યારે પ્રસ્તાવિત ગોલ્ડ કાર્ડ વિઝા યોજના હેઠળ નાગરિકતા તાત્કાલિક આપવામાં આવશે.
ભારતીયોના મોટા વર્ગની પહોંચની બહાર રહેશે
ગોલ્ડ કાર્ડ વિઝા યોજનાની ફી 50 લાખ ડોલર એટલે કે રૂપિયા 43.54 કરોડ થાય છે. તેથી ભારતના અતિ-ધનિક અને ઉદ્યોગપતિઓ જ યુએસ નાગરિકતા મેળવવા માટે આટલો ખર્ચ કરી શકે છે. આનાથી કુશળ વ્યાવસાયિકોની તકલીફમાં વધારો થવાની શક્યતા છે. જેઓ પહેલાથી જ લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. જ્યારે વધુમાં, EB-5 હેઠળ અરજદારો લોન અથવા અગાઉથી ભંડોળ મેળવી શકે છે. જ્યારે ગોલ્ડ કાર્ડ વિઝા માટે સંપૂર્ણ રોકડ ચુકવણી અગાઉથી જરૂરી છે. જે ભારતીયોના મોટા વર્ગની પહોંચની બહાર રહેશે.