ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે થશે વાતચીત: શું ટિકટોક ડીલ પર લાગશે મહોર?

વોશિંગ્ટનઃ અમેરિકન અને ચીની અધિકારીઓ વચ્ચે બેઠક સારી રહી તેમ જ ‘એક ખાસ’ કંપની વિશે કરાર થયો, જેને આપણા દેશના યુવાનો બચાવવા માંગે છે, એમ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ પર જણાવ્યું હતું.
ટ્રમ્પની ટિપ્પણી સૂચવે છે કે આ કંપની ટિકટોક છે. જે ચીન સાથે જોડાયેલી સોશિયલ મીડિયા કંપની છે. અમેરિકન કાયદા અનુસાર તેને વેચવી અથવા કામગીરી બંધ કરવી જરૂરી છે. રિપબ્લિકન રાષ્ટ્રપતિએ ટિકટોકના ભાવિષ્યને લઇને વારંવાર સમયમર્યાદા લંબાવી છે. જોકે રવિવારે સાંજે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા કોઇ કરાર માટે કોઇ પ્રતિબદ્ધતા દર્શાવી ન હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તે શુક્રવારે ચીની નેતા શી જિનપિંગ સાથે વાતચીત કરશે.
જો કે ચીન તરફથી તાત્કાલિક કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે ટિકટોક છેલ્લા દાયકામાં બાઇટડાંસ દ્વારા વિકસાવવામાં આવેલી ૧૦૦થી વધુ એપ્લિકેશનોમાંની એક છે. બાઇટડાંસ એક ટેક્નોલોજી ફર્મ છે, જેની સ્થાપના ૨૦૧૨માં ચીની ઉદ્યોગસાહસિક ઝાંગ યિમિંગ દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક બેઇજિંગના ઉત્તર-પશ્ચિમ હૈડિયન જિલ્લામાં સ્થિત છે.