જ્યોર્જ સોરોસ અમેરિકામાં હિંસા ભડકાવી રહ્યા હોવાનો ટ્રમ્પનો આક્ષેપ, સોરોસનું ભારત સાથે શું છે કનેક્શન ?

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અરબોપતિ જ્યોર્જ સોરોસ અને તેમના પુત્ર એલેકસ પર દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન કરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ તેની માટે કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોરોસ અને તેમના સમર્થકોએ પર અમેરિકાના નુક્સાન પહોંચાડવાનો આક્ષેપ પણ મુક્યો છે.
સાવધાન રહો અમે તમને જોઈ રહ્યા છીએ
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ પર લખ્યું કે, અમે આવા મૂર્ખોને અમેરિકાના બરબાદ કરવાની મંજુરી આપી શકીએ નહી. અમે તેમને શ્વાસ લેવાનો અને આઝાદ થવાનો કોઈ મોકો નહી આપીએ. જેમાં તેમના પશ્વિમ વિસ્તારના મૂર્ખો દોસ્ત પણ સામેલ છે. સાવધાન રહો અમે તમને જોઈ રહ્યા છીએ.
સોરોસ દક્ષિણપંથીઓના નિશાના પર પણ રહ્યા
સોરોસ દક્ષિણપંથીઓના નિશાના પર પણ રહ્યા છે. તેમની પર યુરોપ અને દક્ષિણ અમેરિકામાં સ્થળાંતર સંકટને ઉગ્ર બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પે વર્ષ 2024 માં તેમની મળેલી સજા પાછળ સોરોસ હોવાનો આરોપ લગાવ્યો હતો. જયારે વર્ષ 2023 માં ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને સોરોસને લોકશાહી, માનવ અધિકારો, શિક્ષણ અને સામાજિક ન્યાયને મજબૂત બનાવતી વૈશ્વિક પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ રાષ્ટ્રપતિ પદક ઓફ ફ્રીડમ એનાયત કર્યો હતો.
જ્યોર્જ સોરોસ હંગેરીમાં જન્મેલા અમેરિકન ઉદ્યોગપતિ
જ્યોર્જ સોરોસ હંગેરીમાં જન્મેલા અમેરિકન ઉદ્યોગપતિ છે. જે ડેમોક્રેટ્સના ફાઇનાન્સર માનવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોરોસ હંગેરી પર જર્મન હુમલામાં બચી ગયા હતા અને બાદમાં યુકે ગયા હતા. ધ મેન હુ બ્રોક ધ બેંક ઓફ ઈંગ્લેન્ડ તરીકે જાણીતા સોરોસ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સ્નાતક છે.
એલેક્ઝાન્ડર કમલા હેરિસના ખુલ્લા સમર્થક
એલેક્ઝાન્ડર સોરોસ જ્યોર્જ સોરોસના પુત્ર છે. તે ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સના પ્રમુખ છે. જેની સ્થાપના તેમના પિતા જ્યોર્જ સોરોસ દ્વારા કરવામાં આવી હતી. એલેક્ઝાન્ડર ભૂતપૂર્વ યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ખુલ્લા સમર્થક છે. આ દરમિયાન, ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સે ટ્રમ્પના આરોપોને નકારી કાઢ્યા છે અને યુએસ રાષ્ટ્રપતિની આકરી ટીકા કરી છે. ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, આ આરોપો અપમાનજનક અને ખોટા છે. ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ હિંસક વિરોધ પ્રદર્શનોને સમર્થન કે ભંડોળ પૂરું પાડતું નથી.
જ્યોર્જ સોરોસનો ભારત સાથે સબંધ ?
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ભાજપે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અરબોપતિ જ્યોર્જ સોરોસ સાથે સબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ફોરમ ફોર ડેમોક્રેટિક લીડર્સ ઓફ એશિયા પેસિફિક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપનો આરોપ હતો કે આ ફોરમમાં ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી વાતો થઈ રહી છે. ભાજપનો આરોપ હતો કે આ ફોરમને જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું હતું.