અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા તેવર, એક પછી એક દેશના વડાઓ પર થઇ રહ્યા છે ગુસ્સે…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક દેખાઈ રહ્યા છે. જેમાં હાલમાં જ યુક્રેન પર હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર ગુસ્સે થયા હતા. તેમજ ગત સપ્તાહે ટ્રમ્પનો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ઉગ્ર વિવાદ થયો હતો. હવે તેમની ઇઝરાયલી વડા પ્રધાન સાથે ઉગ્ર દલીલ થઈ છે.
બંને નેતાઓ તેહરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા મુદ્દે એકમત નહોતા
જે અંગે મળતી માહિતી મુજબ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલા ફોન કોલથી અમેરિકાની ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો અને ગાઝા યુદ્ધ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલની ચેનલે સોમવારે અહેવાલ આપ્યો હતો કે બંને નેતાઓ તેહરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા મુદ્દે એકમત નહોતા.

ટ્રમ્પે ફોન પર નેતન્યાહૂ વચ્ચે વાતચીત
અહેવાલ મુજબ, ગુરુવારે ફોન પર વાતચીત દરમિયાન ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યું, હું ઈરાનીઓ સાથે રાજદ્વારી ઉકેલ ઇચ્છું છું. મને વિશ્વાસ છે કે હું એક સારો સોદો કરી શકીશ.તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ એવા સોદો કરવા ઈચ્છે છે જે બંને પક્ષોના હિતોને પૂર્ણ કરે. પરંતુ ઇઝરાયલ ઇચ્છતું નથી કે અમેરિકાના ઇરાન સાથેના સંબંધો સામાન્ય થાય.
ટ્રમ્પ હાલમાં નેતન્યાહૂથી દૂર
ચેનલે અહેવાલ આપ્યો કે કોલનો સ્વર પહેલા કરતા અલગ લાગતો હતો. ટ્રમ્પ હાલમાં નેતન્યાહૂથી દૂર છે અને તેમણે ઇઝરાયલને તેમના મધ્ય પૂર્વ પ્રવાસથી પણ દૂર રાખ્યું હતું. જોકે, ચેનલે અહેવાલ આપ્યો કે વાટાઘાટો પરસ્પર સમજણ પર સમાપ્ત થઈ હતી.

દક્ષિણ આફ્રિકાના રામાફોસા સાથેની વાતચીતમાં પણ ઉગ્ર
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના રામાફોસા સાથેની વાતચીત દરમિયાન એક વીડિયો ચલાવ્યો હતો જેમાં ગોરાઓ વિરુદ્ધ નરસંહારના પુરાવા દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ બધા આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ગુનાના કિસ્સામાં ગોરા લોકો સરેરાશ વધુ નિશાન બને છે. પરંતુ દેશમાં હત્યાનો દર ખૂબ ઊંચો છે અને મોટાભાગના પીડિતો કાળા છે.

આ ઉપરાંત, તેમણે યુક્રેન-રશિયા યુદ્ધ પર પણ ઝેલેન્સકી સાથે ઉગ્ર થયા હતા. જ્યારે તેઓ કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પર પણ આક્રમક ટિપ્પણીઓ કરી રહ્યા છે.
આપણ વાંચો : રશિયાના યુક્રેન પરના હવાઇ હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન પર નારાજ, કહી આ વાત…