ટ્રમ્પનો મસ્ક પર વધુ એક પ્રહાર, ટેસ્લાની ફુલ-સેલ્ફ ડ્રાઈવિંગ કાર સામે તપાસ, 29 લાખ કાર પાછી ખેંચવી પડી શકે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો મસ્ક પર વધુ એક પ્રહાર, ટેસ્લાની ફુલ-સેલ્ફ ડ્રાઈવિંગ કાર સામે તપાસ, 29 લાખ કાર પાછી ખેંચવી પડી શકે

ન્યુ યોર્ક: આ વર્ષે જાન્યુઆરીમાં બીજીવાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બિલિયોનેર ઈલોન મસ્કને તેમની સરકારમાં મહત્વની જવાબદારીઓ સોંપી હતી, પરંતુ થોડા મહિનાઓ બાદ બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતાં. બંને એ એક બીજા પર જાહેરમાં આક્ષેપો કર્યા હતાં. એવામાં ટ્રમ્પ વહીવટીતંત્ર ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા સામે તાપસ શરુ કરવા જઈ રહ્યું છે.

અહેવાલ મુજબ યુએસ ફેડરલ રેગ્યુલેટર્સ ટેસ્લા કારની ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ(FSD) ફીચર અંગે તપાસ શરૂ કરશે, કેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં સેલ્ફ-ડ્રાઇવ કરી રહેલી ટેસ્લા કારે ટ્રાફિકના નિયમો તોડ્યા હોવાના બનાવ નોંધાયા હતાં. ટેસ્લા કારે રેડ લાઈટ બ્રેક કરી હોય અને રોંગ સાઈડ ડ્રાઈવ કરી હોવાના બનાવ બન્યા હતાં. કેટલાક કિસ્સામાં ટેસ્લા કારે અન્ય વાહનોને ટક્કર પણ મારી હતી, જેમાં કેટલાક લોકોને ઈજા પણ થઇ હતી.

લાખો કારની તપાસ થશે:

યુએસની નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશ(NHSA)ને જણાવ્યું કે 58 ઘટનાઓ નોંધાઈ છે, આ તમામ કિસ્સામાં ટેસ્લા કાર ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ મોડ દ્વારા ચાલી રહી હોવા અને ટ્રાફિક સેફ્ટી કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ NHSA FSD ફીચર સાથેની તમામ 29 લાખ ટેસ્લા કારને તપાસમાં આવરી લેશે, જરૂર પડશે તો આ કાર પાછી ખેંચવામાં આવી શકે છે.

મસ્ક FSDના સતત વખાણ કરી રહ્યા છે:

ટેસ્લાના CEO ઈલોન મસ્ક ટેસ્લા કારના FSD ફીચરના સતત વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે X પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે FSD v14.1ની મદદથી ટેસ્લા કાર લોસ એન્જલસના ટ્રાફિકમાં પોતાની રીતે રાહદારીઓ અને ચાલી રહેલા કન્સ્ટ્રકશન વર્ક વચ્ચેથી સલામત રીતે પસાર થઇ હતી.

મસ્કની યોજના પર પાણી ફરી વળશે:

ટેસ્લાની ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) ટેકનોલોજી એક હાઈ ટેક ઓટોપાયલટ સિસ્ટમ છે, જે કારને પોતાની મેળે ડ્રાઈવ, ટર્ન, ઓવરટેક અને પાર્ક કરી શકે છે. ઈલોન માસ્કની યોજના છે કે લાખો કાર FSDથી ચાલતી હોય. હવે આ તપાસને કારણે સંપૂર્ણપણે ડ્રાઇવર વિનાની કાર વિકસાવવાની મસ્કની યોજના પર પાણી ફેરવી શકે છે.

આ પણ વાંચો…ટેસ્લાની અદ્યતન મોડેલ ‘વાય’ની ભારતમાં એન્ટ્રી, જાણો મહારાષ્ટ્ર કનેક્શન

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button