અમેરિકાની ચૂંટણી જીત્યો તો સરમુખત્યાર: ભૂતપૂર્વ પ્રમુખે કરી મોટી જાહેરાત….

ન્યૂયોર્ક: અમેરિકામાં ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ 2024ની ચૂંટણીઓ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સૌથી મજબૂત દાવેદાર છે. તેમણે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો તે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો તેઓ એક દિવસ માટે તો સરમુખત્યાર બનશે જ. જો કે આવું નિવેદન આપતા પહેલા તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તો આખા અમેરિકામાં દેખાવો શરૂ થઈ શકે છે.
જ્યારે બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના નિવેદનોમાં વારંવાર કહ્યું છે કે જો ટ્રમ્પ બીજી ટર્મમાં આવશે તો અમેરિકન લોકશાહીમાં ઉથલપાથલ થઈ જશે. ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે જો તેઓ ફરીથી પદ પર આવશે તો એક દિવસ માટે સરમુખત્યારશાહી અપનાવીશ અને ત્યારે સૌ પ્રથમ યુએસ-મેક્સિકો સરહદ પર ગેરકાયદેસર હિલચાલ અટકાવવામાં આવશે અને ઊર્જા પ્રોજેક્ટ્સને પરવાનગી આપવામાં આવશે.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પદ પર હતા ત્યારે ડેમોક્રેટ પાર્ટીની બહુમતી સાથે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા તેમના પર બે વખત મહાભિયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ બંને વખત તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ પર જો બાઈડેન દ્વારા જીતેલી 2020ની રાષ્ટ્રપતિની પદની ચૂંટણીને ઉથલાવી દેવાના કાવતરાના આરોપમાં ચાર માર્ચ 2024માં કેસ ચલાવવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પના વકીલો અપીલ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની પેનલ સામે એ બાબતની દલીલ કરી રહ્યા હતા કે 2020ની ચૂંટણીને ઉથલાવી દેવાના કાવતરાના આરોપમાં ટ્રાયલમાંથી મુક્તિ આપવી જોઈએ કારણકે આ ફક્ત એક આરોપ છે ગુનો સાબિત થયો નથી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પના વકીલો સાથે અપીલ કોર્ટના ન્યાયાધીશો સહમત થયા નહોતા.