ડેનમાર્કની વિક્ટોરિયા કજેર મિસ યુનિવર્સ બની, તાજ પહેરતા જ થઇ ભાવુક

ડેનમાર્કની વિક્ટોરિયા કજેરને મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીતી લીધો છે. વિક્ટોરિયા કજેરને મિસ નિકારાગુઆ, શેનીસ પેલેસિયોસ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ નાઈજીરિયાની ચિદિન્મા અદેત્શિના રહી હતી. જ્યારે બીજી રનર અપ મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન રહી હતી. આ સ્પર્ધામાં 130 સ્પર્ધકોએ 125 દેશોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં ભારતની રિયા સિંહે પણ ભાગ લીધો હતો, પરંતુ તે ટોપ-12માંથી બહાર રહી હતી.
પોતાની સુંદરતાથી મિસ યુનિવર્સનો તાજ જીતનાર વિક્ટોરિયા કજેર વ્યવસાયે એક બિઝનેસવુમન છે. તે વકીલ બનવા માગે છે. 21 વર્ષની વિક્ટોરિયા ખૂબ સારી ડાન્સર પણ છે. તે પ્રાણી અધિકારના મુદ્દાઓને પણ સમર્થન આપે છે
આ વર્ષે મિસ યુનિવર્સ 2024 સૌંદર્ય સ્પર્ધા શનિવારે એરેના CDMX મેક્સિકો સિટી, મેક્સિકો ખાતે યોજાઈ હતી. ડેનમાર્કની વિક્ટોરિયા કજેરે 73મી મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી હતી. આ સ્પર્ધા જીત્યા બાદ તે ઘણી ભાવુક થઇ ગઇ હતી.
આ વખતે મિસ યુનિવર્સનો તાજ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તાજનું નામ ‘Lumière de l’Infini’ હતું. આ તાજને હીરાની સાથે 23 સોનેરી મોતીથી શણગારવામાં આવ્યો હતો. તેને ફિલિપાઈન્સના કારીગરો દ્વારા પરંપરાગત તકનીકોની મદદથી 2 વર્ષમાં બનાવવામાં આવ્યો હતો.આ તાજ મહિલા સશક્તિકરણનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો : Benjamin Netanyahu ના ઘર નજીક હિઝબુલ્લાનો રોકેટ હુમલો, સુરક્ષા એજન્સીએ ઘટનાને ગંભીર ગણાવી
આ પહેલા ત્રણ ભારતીય બ્યુટી ક્વીન્સે મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. 1994માં બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને પ્રથમ વખત ભારત માટે આ ખિતાબ જીત્યો હતો. આ પછી લારા દત્તા અને હરનાઝ સંધુએ પણ આ ખિતાબ જીત્યો હતો.