‘અમે પહેલા ગોળી મારીશું, પ્રશ્નો પછી પૂછીશું’ ગ્રીનલેન્ડ મામલે ડેન્માર્કની ટ્રમ્પને ચેતવણી…

કોપનહેગન: વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના અપહરણ અને ત્યાંના પેટ્રોલિયમ ભંડારો પર કબજા બાદ હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર છે. ટ્રમ્પ અને યુએસના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સ ગ્રીનલેન્ડ પર કબજો કરવામાં ઈરાદા અંગે ઘણીવાર વાત કરી ચુક્યા છે. એવામાં ડેન્માર્કના સંરક્ષણ મંત્રાલયે ટ્રમ્પને ચેતવણી આપી છે.
ડેન્માર્કના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ જો યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રીનલેન્ડ પર આક્રમણ કરે છે, તો તેમના સૈનિકોએ પહેલા ગોળીબાર કરશે અને પછી પ્રશ્ન પૂછશે.ડેન્માર્કના એક પ્રમુખ અખબાર એ મંત્રાલયને પૂછ્યું હતું કે યુએસની ધમકીઓ અંગે સેનાને કેવા પ્રકારને નિર્દેશો આપવામાં આવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે 1952 ના સૈન્ય કરાર મુજબ સૈનિકોને ઉચ્ચ અધિકારીઓના આદેશની રાહ જોયા વિના આક્રમણકારો પર હુમલો કરવાની મંજુરી છે.

ટ્રમ્પ અને વાન્સના સ્પષ્ટ ઈરાદા:
તાજેતરમાં યુએસ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા યુએસ લશ્કરી કાર્યવાહીના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. જેડી વાન્સે બુધવારે જણાવ્યું હતું કે ડેનમાર્કે ગ્રીનલેન્ડને સુરક્ષિત રાખવા માટે યોગ્ય વ્યવસ્થા નથી કરી અને ટ્રમ્પ આર્કટિક સમુદ્રમાં અમેરિકન હિતોનું રક્ષણ કરવા માટે કઈ પણ કરવા તૈયાર છે.
રુબિયોની સ્પષ્ટતા અને ડેન્માર્કનો જવાબ:
જ્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ટ્રમ્પ ગ્રીનલેન્ડ ખરીદવા ઈચ્છે છે અને લશ્કરી કાર્યવાહી કરવાનો કોઈ ઈરાદો નથી.
રુબિયોએ એ જણાવ્યું કે તેઓ આવતા અઠવાડિયે ડેન્માર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. ડેનમાર્ક આગાઉ ઘણી વાત સ્પષ્ટ પણે કહ્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી.
આ પણ વાંચો…ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ: ટ્રમ્પ સામે ફ્રાન્સ-જર્મનીએ એક થઈને મોરચો માંડ્યો
નોંધનીય છે કે ગ્રીનલેન્ડ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન(NATO) હેઠળનો એક મહત્વનો પ્રદેશ છે. સોમવારે ડેન્માર્કના વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને પણ ટ્રમ્પને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ પર યુએસ દ્વારા કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો નાટો સાથે તેના જોડાણનો અંત આવશે.



