પુતિન સામે ઝૂકી જવા બદલ બાઇડને ટ્રમ્પ સામે કર્યા પ્રહારો

યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે તેમના સ્ટેટ ઑફ ધ યુનિયન સંબોધનની શરૂઆત તેમના રાષ્ટ્રપતિ ચૂંટણીના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ પર તીવ્ર પ્રહારો સાથે કરી હતી. જોકે, બાઇડેને ટ્રમ્પનું નામ લીધું ન હતું, પરંતુ તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રિપબ્લિકન પ્રમુખ ગણાવીને બાઇડેને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ફક્ત ટ્રમ્પ વિશે જ વાત કરી રહ્યા છે.
અમેરિકામાં 2024ના અંતમાં પ્રમુખપદની ચૂંટણી છે. હાલમાં અમેરિકામાં યોજાઈ રહેલી પ્રાથમિક ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં બાઇડેનનો સામનો ટ્રમ્પ સાથે જ થવાનો છે.
બાઇડેને પોતાના ભાષણની નાટકીય શરૂઆત કરી હતી. સંબોધનની શરૂઆતમાં બાઇડેને કહ્યું હતું કે, ‘હું કોંગ્રેસ અને અમેરિકન લોકોને ખતરાને લઈને ચેતવણી આપવા માંગુ છું.’ “સ્વતંત્રતા અને લોકશાહી” પર હુમલો થઈ રહ્યો છે. ટ્રમ્પ પર નિશાન સાધતા, તેમણે કહ્યું કે રિપબ્લિકન ટ્રમ્પ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે “નમતું” જોખી રહ્યા છે, પરંતુ “તેઓ નમશે નહીં.”
રાજકીય કારકિર્દીના સૌથી મહત્વપૂર્ણ ભાષણોમાંના એકમાં ડેમોક્રેટિક પક્ષના 81 વર્ષીય બાઇડેને નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાને ટ્રમ્પના એકમાત્ર વિકલ્પ તરીકે રજૂ કરીને લોકોને તેમની ઉંમર વિશે ચિંતા ન કરવા કહ્યું હતું. સમર્થકોના ઉત્સાહ અને “ચાર વર્ષ વધુ” ના નારાઓ વચ્ચે તેઓએ લોકોને સંબોધન કર્યું હતું.
ડેમોક્રેટ પાર્ટીનું ફોકસ મહિલા મતદારો પર વધુ છે, એમ જણાવતા બાઇડેને કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા ઘણી સારી સ્થિતિમાં છે. આ દરમિયાન બાઇડેને ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવાની પણ જાહેરાત કરી હતી.
ચીન-તાઈવાન મુદ્દે બોલતા બાઇડેને કહ્યું હતું કે અમેરિકા ચીન સાથે સ્પર્ધામાં ઇચ્છે છે, સંઘર્ષ નહીં.
તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ અને સુરક્ષા માટે અમેરિકા ચીનની વિરુદ્ધ ઊભું છે અને ભારત જેવા સાથી દેશો સાથે ભાગીદારીને વધુ મજબૂત બનાવી રહ્યું છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વર્તમાન પ્રમુખ તરીકે જો બાઇડેનનું આ છેલ્લું સ્ટેટ ઑફ ધ યુનિયનનું સંબોધન હતું.