ઇન્ટરનેશનલ

ઈઝરાયલી સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ; ઇસ્લામિક દેશોની બેઠકમાં પ્રસ્તાવ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરુ થયેલું યુદ્ધ વધુ ઘાતક બનતું જઈ રહ્યું છે, ઇઝરાયલી સેના દરરોજ બાળકો અને મહિલાઓ સહીત નિર્દોષ સામાન્ય નાગરિકોના જીવ લઇ રહી છે. યુએનની અપીલ છતાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર યુદ્ધવિરામની માંગને નકારી કાઢી છે. બીજી તરફ આરબ નેતાઓને પણ હવે ડર છે કે સંઘર્ષ અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે. અરબ નેતાઓ અને ઈરાનના રાષ્ટ્રપતિએ શનિવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલની કાર્યવાહીની વ્યાપક નિંદા કરવા માટે બેઠક કરી હતી.

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આરબ લીગ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની ઈમરજન્સી મીટીંગને સંબોધતા કહ્યું કે, સાઉદી અરેબિયા પેલેસ્ટિનિયન લોકો પર આચરવામાં આવેલા ગુનાઓ માટે ઈઝરાયેલને જવાબદાર માને છે. બેઠકમાં પ્રિન્સ સલમાને ગાઝા અને અધિકૃત  વેસ્ટ બેંકમાં ઈઝરાયેલની કાર્યવાહી વિશે વાત કરતા કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આ ક્ષેત્રમાં સુરક્ષા, શાંતિ અને સ્થિરતાની ખાતરી આપવાનો એકમાત્ર રસ્તો કબજો, ઘેરાબંધી અને વસાહતોને ખતમ કરવાનો છે.

બેઠકમાં અન્ય આરબ નેતાઓ અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું કે ઈસ્લામિક દેશોએ ગાઝામાં ઈઝરાયલી સૈન્યને તેના વર્તન કૃત્યો માટે આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને બેઠકમાં કહ્યું કે તે શરમજનક છે કે હંમેશા માનવ અધિકાર અને સ્વતંત્રતાની વાત કરનારા પશ્ચિમી દેશો પેલેસ્ટાઈનમાં ચાલી રહેલા નરસંહાર માટે મૌન છે.

આ બેઠકમાં હાજર પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું કે ઈઝરાયેલ પર અમેરિકાનો સૌથી વધુ પ્રભાવ છે અને તે સંઘર્ષના રાજકીય ઉકેલના અભાવ માટે જવાબદાર છે.

દરમિયાન, અલ્જેરિયા અને લેબનોન સહિતના કેટલાક દેશોએ ગાઝામાં વિનાશના જવાબમાં ઇઝરાયેલ અને તેના સાથી દેશોને તેલનો પુરવઠો અટકાવવાની ધમકી આપી છે. આ સાથે અરબ લીગના કેટલાક દેશોને ઈઝરાયેલ સાથે આર્થિક અને રાજદ્વારી સંબંધો તોડવા પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો કે, 2020 માં ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવનારા બે દેશો સંયુક્ત આરબ અમીરાત અને બહેરીને આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button