ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત ફરવા વધુ રાહ જોવી પડશે, સ્વાસ્થ્ય વિષે ચિંતા

ન્યુયોર્ક: મૂળ યોજના મુજબ માત્ર 10 દિવસના સ્પેસમિશન મિશન માટે અવકાશમાં ગયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથી બૂચ વિલ્મોર (Butch Wilmore) છેલ્લા છ મહિના જેટલા સમયથી અવકાશમાં જ છે. તેઓ જલ્દીથી સલામત રીતે પૃથ્વી પર પરત ફરે એવી પ્રાર્થના થઇ રહી છે. એવામાં વધુ એક નિરાશાજનક સમાચાર છે. તેમને પૃથ્વી પર પરત ફરતા વધુ સમય રાહ જોવી પડશે.

નાસાએ કારણ આપ્યું:
નાસાએ આપેલી જાણકરી મુજબ બંને અવકાશયાત્રીઓ હવે ફેબ્રુઆરીના બદલે છેક માર્ચ 2025 ના અંત સુધીમાં અથવા એપ્રિલની શરૂઆતમાં પૃથ્વી પર પાછા ફરશે. નાસાએ જણાવ્યું કે વિલિયમ્સ અને વિલમોર અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ સાથે ચાર સભ્યોના સ્પેસ એક્સ ક્રૂ-10 મિશન મારફતે પૃથ્વી પર પાછા ફરશે.

આ મિશન માર્ચ 2025ના અંતમાં શરૂ થવાની ધારણા છે. એજન્સીએ જણાવ્યું હતું કે નવા ડ્રેગન અવકાશયાનના પ્રક્ષેપણની તૈયારીઓ કરવામાં વિલંબ થયો છે. જોકે, નાસાએ અવકાશયાત્રીઓના પરત ફરવાની ચોક્કસ તારીખનો ઉલ્લેખ કર્યો નથી.

રીટર્ન ફ્લાઈટ માટે સતત વિલંબ:
નોંધનીય છે, બંને ટેસ્ટ પાઇલોટ 5 જૂન 2024ના રોજ બોઇંગની પ્રથમ ફ્લાઇટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા હતાં. મૂળ આયોજન મુજબ બંને સ્પેસ સ્ટેશનમાં માત્ર એક અઠવાડિયા સુધી રહેવાના હતાં, પરંતુ ટેકનિકલ અને શેડ્યુલિંગ સમસ્યાઓના કારણે તેમનું મિશન ઘણી વખત લંબાવવામાં આવ્યું હતું.

સુનીતાના સ્વાસ્થ્ય અને ચિતા:
નોંધનીય છે કે સુનીતા અને બૂચ છ મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. અમેરિકાના એક જાણીતા પલ્મોનોલોજિસ્ટએ નવેમ્બરમાં સુનીતાની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો છે કે 24 સપ્ટેમ્બરે નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં તે પાતળી દેખાતી હતી. તેના ગાલ સુકાયેલા દેખાય છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું વજન ઘટી જાય છે.

Read This Also…Good News! રશિયાએ Cancer Vaccine બનાવી હોવાનો દાવો કર્યો, આ લોકોને મફતમાં આપશે

નાસાની સ્પષ્ટતા:
સુનીતાના સ્વાસ્થ્યને લગતી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા, નાસાના સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેક્ટોરેટના પ્રવક્તા જિમી રસેલે 8 નવેમ્બરે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે, હાલમાં ISS પર તૈનાત તમામ અવકાશયાત્રીઓની તબિયત સારી છે. ડોકટરો નજર રાખી રહ્યા છે. દરેક અવકાશયાત્રીનું નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button