હોંગકોંગ અગ્નિકાંડમાં મૃત્યુઆંક 128 પર પહોંચ્યો, હજુ 200 ગુમ

હોંગકોંગના નોર્થ તાઈ પો જિલ્લામાં સ્થિત વાંગ ફુક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ(Wang Fuk Court housing complex)ની 7 બહુમાળી બિલ્ડીંગમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 128 પર પહોંચ્યો છે. હજુ 200 લોકો ગુમ છે, 79 લોકો ઈજાગ્રસ્ત છે.
સરકારે શુક્રવારે કરેલી જાહેરાત મુજબ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુમ થયેલા 200 લોકોની શોધખોળ ચાલુ રહેશે, મૃત્યુઆંક હજુ વધી શકે છે.
બુધવારે બપોરે 7 બહુમાળી ઈમારતોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 1,000 થી વધુ ફાયરફાયટર્સે 24 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ ગયા બાદ પણ બે દિવસ સુધી ઈમારતોમાંથી ધુમાડો નીકળતો રહ્યો, જેના ક્યારેક ક્યારેક આગ ભડકી ઉઠતી હતી.
આ પણ વાંચો: હોંગકોંગ અગ્નીકાંડ: આગ કાબુમાં આવી, અત્યાર સુધી 94નાં મોત, 279 હજુ પણ ગુમ
હોંગકોંગની એન્ટી કરપ્શન એજન્સીએ પણ આગની તપાસ શરૂ કરી છે. બિલ્ડીંગના રીનોવેશન દરમિયાન સંભવિત ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે.
એક વર્ષથી વધુ સમયથી બિલ્ડીંગનું મેન્ટેનન્સ કાર્ય કરી રહેલી પ્રેસ્ટિજ કન્સ્ટ્રક્શન કંપનીના બે ડિરેક્ટરો અને એક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે.
આ કારણે લાગી હોઈ શકે આગ:
અહેવાલ મુજબ, વાંગ ફુક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આઠ ટાવર આવેલા છે, જેમાં લગભગ 4,600 થી વધુ લોકો રહેતા હતા, જેનું રીનોવેશન ચાલી રહ્યું હતું. જેના માટે બિલ્ડીંગ્સને વાંસના પાલખ અને લીલા રંગની જાળીથી લપેટવામાં આવી હતી, આ જાળી ફાયરપ્રૂફ ન હતી. કોઈ કારણોસર જાળીએ આગ પકડી લીધી હતી. આગ ખુબ જ ઝડપથી 7 બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી.



