વિયેતનામમાં ચક્રવાત ‘યાગી’નો કહેરઃ મૃતકોની સંખ્યા વધીને 233 પર પહોંચી…
હેનોઈઃ વિયેતનામમાં ચક્રવાત ‘યાગી’નો કહેર જોવા મળ્યો હતો. તોફાનને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા બાદ શુક્રવારે મૃત્યુઆંક વધીને 233 થઈ ગયો છે. દેશના સરકારી મીડિયાએ આ જાણકારી આપી હતી.
વિયેતનામની સરકારી ટીવી ‘વીટીવી’એ જણાવ્યું હતું કે ઉત્તરી લાઓ કાઈ પ્રાંતમાં મંગળવારે પર્વત પરથી વહેતા પૂરના પાણીમાં લાંગ નુ ગામ તબાહ થઈ ગયું હતું અને અહીં રહેતા ઘણા લોકો તણાઇ ગયા હતા. બચાવકર્મીઓએ 48 મૃતદેહો બહાર કાઢ્યા હતા.
વિયેતનામમાં હજુ પણ 103 લોકો ગુમ છે અને 800થી વધુ ઘાયલ છે. વાવાઝોડું ‘યાગી’ એ દાયકાઓમાં વિયેતનામમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી તોફાન છે. તે શનિવારે 149 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે અથડાયું હતું.
રવિવાર સુધીમાં તે નબળું પડ્યું હોવા છતાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો અને નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. લાંગ નુ સુધીના રસ્તાઓને નુકસાન પહોંચ્યુ છે જેના કારણે બચાવ કાર્યમાં મદદ કરવા માટે ભારે સાધનો લાવવાનું અશક્ય બની ગયું છે.
સ્નિફર ડોગ્સ સાથે લગભગ 500 કર્મચારીઓ રાહત બચાવ કામગીરીમાં જોડાયેલા છે. ઘટનાસ્થળની મુલાકાત દરમિયાન વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હે કહ્યું હતું કે તેઓ હજુ પણ ગુમ થયેલા લોકોની શોધમાં ઝડપથી અભિયાન ચલાવશે. તેમના પરિવારો ખૂબ દુઃખી છે. સરકારી વીએનએક્સપ્રેસ ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસાર આજે વહેલી સવારે બે ઘરોમાંથી આઠ લોકો સુરક્ષિત મળી આવ્યા હતા.