રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર એટેલ, 100 વધુ ફ્લાઈટો થઈ રદ

રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલાને કારણે સોમવારે એરલાઇનની કમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ, જેના પરિણામે 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી અને અનેક ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. ઉલ્લેખનીય છે કે યુક્રેનિયન અને બેલારુસિયન હેકર જૂથોએ આ હુમલાની જવાબદારી લીધી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રશિયન મીડિયા આ હુમલાને એરોફ્લોટના ઇતિહાસમાં સૌથી મોટો સાયબર હુમલો ગણાવી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુક્રેનના હેકર જૂથ ‘સાયલન્ટ ક્રો’ અને બેલારુસના ‘બેલારુસ સાયબર પાર્ટિસન્સ’એ આ હુમલો કર્યો હતો. બેલારુસનું આ જૂથ રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોના શાસનનો વિરોધ કરે છે. હુમલાને કારણે એરોફ્લોટની સેવાઓ કલાકો સુધી ખોરવાઈ હતી, જેની અસર એરલાઇનની સહાયક કંપનીઓ રોસિયા અને પોબેડાની ફ્લાઇટ્સ પર પણ પડી હતી. મોટાભાગની રદ થયેલી ફ્લાઇટ્સ ઘરેલુ હતી, પરંતુ બેલારુસ, આર્મેનિયા અને ઉઝબેકિસ્તાન જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી. એરોફ્લોટે જણાવ્યું કે તેની આઇટી સિસ્ટમમાં તકનીકી સમસ્યાઓ ઊભી થઈ, અને રશિયન વહીવટે પાછળથી આને સાયબર હુમલો હોવાની પુષ્ટિ કરી, જેની ફોજદારી તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયા બાદ રશિયા અનેક સાયબર હુમલાનો શિકાર બન્યું છે. આ ઘટના એરોફ્લોટના ઇતિહાસનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. અગાઉ રશિયન સરકારી વેબસાઇટ્સ અને રશિયન રેલવે જેવી સરકારી સંસ્થાઓ પણ હેકર્સના નિશાના પર રહી છે, જોકે તેમની સેવાઓ થોડા કલાકોમાં પુનઃસ્થાપિત થઈ હતી. આ વખતે મોસ્કોના શેરેમેટયેવો એરપોર્ટ પર મુસાફરોની ભીડ જોવા મળી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.
‘સાયલન્ટ ક્રો’ હેકર જૂથે દાવો કર્યો કે તેઓએ એક વર્ષ સુધી એરોફ્લોટના નેટવર્કમાં પ્રવેશ મેળવ્યો હતો. આ દરમિયાન તેમણે ગ્રાહકોનો ડેટા, કોલ રેકોર્ડિંગ્સ, કર્મચારીઓની દેખરેખ સંબંધિત માહિતી અને આંતરિક સંચારની નકલો એકઠી કરી. હેકર્સનું કહેવું છે કે આ ડેટાનો મોટો ભાગ હવે નષ્ટ કરાયો છે અથવા અનુપલબ્ધ છે, જેને પુનઃસ્થાપિત કરવામાં કરોડો ડોલરનો ખર્ચ થઈ શકે છે. તેમણે એરોફ્લોટની આંતરિક આઇટી સિસ્ટમના સ્ક્રીનશોટ પણ શેર કર્યા અને સંભવિત ડેટા લીકની ચેતવણી આપી. બેલારુસના ‘સાયબર પાર્ટિસન્સ’ જૂથે આને ‘વિનાશક હુમલો’ ગણાવ્યો, જેની તૈયારી માટે મહિનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેલારુસના હેકર જૂથની સંયોજક યુલિયાના શમેટાવેસે જણાવ્યું કે આ હુમલો ખૂબ મોટા પાયે આયોજિત હતો અને તેના પરિણામો ગંભીર છે. તેમણે એરોફ્લોટના નેટવર્કમાં અનેક નબળાઈઓનો લાભ લઈને પ્રવેશ મેળવ્યો હતો. આ જૂથે અગાઉ એપ્રિલ 2024માં બેલારુસની કેજીબી સુરક્ષા એજન્સીના નેટવર્કમાં ઘૂસણખોરી કરી હોવાનો દાવો કર્યો હતો. હેકર્સે ટેલિગ્રામ પર દાવો કર્યો કે એરોફ્લોટના મુસાફરોનો વ્યક્તિગત ડેટા હવે ‘નવી યાત્રા’ પર છે, જેનો અર્થ તેમની ડેટા લીક કરવાની યોજના હોઈ શકે છે. આ હુમલાએ રશિયાની સુરક્ષા ચિંતાઓને વધુ ગંભીર બનાવી દીધી છે.
આ પણ વાંચો….પુણે-દિલ્હીની ફ્લાઈટ રદ, જાણો શું છે મામલો?