શું પહેલગામ હુમલાના આતંકવાદીઓ શ્રીલંકા પહોંચ્યા? ચેન્નાઈ-કોલંબો ફ્લાઇટમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન

કોલંબો: ૩ મેના રોજ ચેન્નાઈથી કોલંબો પહોંચેલી શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટને એરપોર્ટ પર ખાસ સુરક્ષા કામગીરીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે ચેન્નાઈથી શ્રીલંકા આવી રહેલી ફ્લાઇટની કોલંબોમાં ખાસ સુરક્ષા તપાસ કરવામાં આવી હતી.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડાયેલા સંભવિત શંકાસ્પદો વિશે ચેતવણી આપ્યા બાદ શ્રીલંકાના સુરક્ષા દળો દ્વારા ફ્લાઇટ લેન્ડ થયા બાદ તરત જ તેની તપાસ કરવામાં આવી હતી.
આપણ વાંચો: પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને આકરી સજા આપો: આરએસએસ…
ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન
એરલાઇન્સના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ચેન્નાઈ એરિયા કંટ્રોલ સેન્ટર તરફથી એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક અધિકારીઓના સહયોગથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતમાં વોન્ટેડ એક શંકાસ્પદ આરોપી વિમાનમાં સવાર હોઈ શકે છે.
વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને પછી આગળની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકન એરલાઇન્સ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતીને પ્રાથમિકતા આપે છે. ઉપરાંત ઉચ્ચતમ સલામતી ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
આપણ વાંચો: પહેલગામ આતંકવાદી હુમલાની હૃદયદ્રાવક તસવીર, પત્ની આંખ સામે નેવી ઓફિસરની હત્યા
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા આતંકવાદીઓની ઓળખ કરી છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર હુમલામાં કુલ ચારથી છ આતંકવાદીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી કેટલાકની ઓળખ થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા નામના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ ઉપરાંત બે સ્થાનિક આતંકવાદીઓની ઓળખ આદિલ હુસૈન ઠોકર અને આસિફ શેખ તરીકે થઈ છે.