ચીનના રાજકારણમાં ભૂકંપ: જિનપિંગના નજીકના સર્વોચ્ચ નેતાની હકાલપટ્ટી…

બીજિંગઃ ચીનમાં શી જિનપિંગના અનુગામી અંગેની ચર્ચા વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ચીનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચીનના સૈન્યના બીજા ક્રમના સર્વોચ્ચ નેતા અને સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC)ના વાઇસ ચેરમેન હી વેઇડોંગને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. હી વેઇડોંગ ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય પણ હતા, અને તેમને પોલિટબ્યુરોમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે. ચીની સરકાર દ્વારા આ પગલું કેમ ભરવામાં આવ્યું, આવો જાણીએ.
ભ્રષ્ટાચારના આરોપસર અધિકારીઓ સસપેન્ડ
ચીની સરકારનો દાવો છે કે વેઇડોંગ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હતા, જેના કારણે તેમને દૂર કરવામાં આવ્યા છે. વેઇડોંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, વેઇડોંગ ઉપરાંત, અન્ય સાત સેના જનરલોને પણ ભ્રષ્ટાચારના આરોપોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય મહિનાના અંતમાં યોજાનારી સરકાર અને પાર્ટીની એક મહત્વપૂર્ણ વાર્ષિક બેઠક પહેલા લેવામાં આવ્યો છે.
જોકે, હે વેઇડોંગ સિવાય 7 એવા આર્મી જનરલને પણ સસપેન્ડ કરવામાં આવ્યા છે. જેના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય સૈન્ય આયોગના સભ્ય મિયાઓ હુઆ, હે હોંગજુન અને સીએમસી જોઈન્ટ ઓપરેશન કમાન્ડ સેન્ટરના વાંગ શિયુબિનનો સમાવેશ થાય છે.

હી વેઇડોંગ કોણ છે?
1957માં જન્મેલા હી વેઇડોંગે નાનજિંગ મિલિટરી સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કરીને સેનામાં જોડાયા હતા. 2012માં શી જિનપિંગના ઉદય સાથે હી વેઇડોંગનું કદ ઝડપથી વધ્યું હતું. 2016માં તેમને વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2022માં તેમને સેન્ટ્રલ મિલિટરી કમિશનના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જે ચીની સેનામાં શી જિનપિંગ (વડા) પછીનું સૌથી પ્રભાવશાળી પદ છે.
રાષ્ટ્રપતિના અનુગામી મનાતા હતા
હી વેઇડોંગની નિમણૂક શી જિનપિંગે પોતે કરી હતી અને તેમને પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય તરીકે પણ સ્થાન આપ્યું હતું. વેઇડોંગને એક સમયે ચીની રાષ્ટ્રપતિના સંભવિત અનુગામી માનવામાં આવતા હતા. જોકે, 2024માં તેમના સંબંધો બગડ્યા હોવાની અટકળો વહેતી થઈ છે. જોકે ત્યારબાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા અને હવે તેઓને પદ પરથી સત્તાવાર રીતે દૂર કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમને ચીની રાજકારણમાં મોટો આંચકો માનવામાં આવે છે.