ટ્રમ્પ ટેરિફથી ચીન બેઅસર, ટેરિફમા વધારો છતા નિકાસમા વધારો

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર હાલ ચીન પર જોવા નથી મળતી. જેમાં અમેરિકાએ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ સિવાય અન્ય પ્રોડક્ટ પર 145 ટકા ટેરિફ લગાવ્યો છે. જોકે, હાલ તેની અસર ચીન અર્થતંત્ર કે નિકાસ પર જોવા નથી મળી રહી. માર્ચ મહિનામાં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે 12.4 ટકાનો વધારો નોંધાયો છે. આ જ સમયગાળા દરમિયાન આયાતમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે.
ચીનની નિકાસ 5.8 ટકા વધી હતી
ચીન સરકારે સોમવારે આ માહિતી આપી હતી. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનની નિકાસ 2025 ના પ્રથમ ત્રણ મહિના(જાન્યુઆરી-માર્ચ) મા વાર્ષિક ધોરણે 5.8 ટકા વધી હતી. જ્યારે આયાતમાં સાત ટકાનો ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ 27.6 બિલિયન ડોલર હતો. જ્યારે તેની નિકાસમાં 4.5 ટકાનો વધારો થયો હતો. વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ)માં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ 76.6 બિલિયન ડોલર હતો.
સ્થાનિક બજાર તરફ ઈશારો
અમેરિકા સાથે ચીનનો વેપાર સરપ્લસ વધતાં અમેરિકાને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ કારણે અમેરિકાએ ચીન પર ભારે કર લાદ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓમાં તાજેતરના સુધારા મુજબ, ચીન અમેરિકામાં થતી મોટાભાગની નિકાસ પર 145 ટકા ડ્યુટીનો સામનો કરી રહ્યું છે. કસ્ટમ્સ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તાએ કહ્યું કે ચીન એક જટિલ અને ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પરંતુ તે ઝૂકશે નહીં. તેમણે ચીનના વિવિધ નિકાસ વિકલ્પો અને વિશાળ સ્થાનિક બજાર તરફ ઈશારો કરતા આ વાત કહી છે.
આ પણ વાંચો:ટ્રમ્પ સામે લડી લેવા ડ્રેગન તૈયાર! ટેરિફ બાદ હવે અમેરિકાની 18 કંપની પર કાર્યવાહી…
અમેરિકાએ ઇલેક્ટ્રોનિક સામાન પર રાહત આપી
અમેરિકાએ ચીન પર ભારે કર લગાવ્યો હોવા છતાં તેણે ઇલેક્ટ્રોનિક સામાન પર રાહત આપી છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ચીનથી આવતા આઇફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપની નિકાસ પર 20 ટકા ટેક્સ લગાવ્યો છે. ચીને અન્ય વસ્તુઓ પર પણ કર ઘટાડવાની માંગ કરી છે. વિશ્વના ઘણા દેશો પર કર વધારવાના ટ્રમ્પના નિર્ણયને 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. હવે ભારત ટ્રમ્પ સાથે વેપાર વાટાઘાટો કરવામાં વ્યસ્ત છે. બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં કરાર થવાની શક્યતા છે.