ચીનનું યુદ્ધ જહાજ જાપાની જળસીમામાં પ્રવેશતા સમુદ્રી તણાવમાં વધારો
સામ્રાજયવાદની મનશા રાખતું ચીન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું તેના યુદ્ધ જહાજ હવે જાપાની જળસીમામાં ઘુસ્યા છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી.
જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનના વિમાનવાહક જહાજ આજે પ્રથમ વખત તેના પ્રાદેશિક જળમાં પ્રવેશ્યા છે. ચીનના યુદ્ધ જહાજ જાપાની જળસીમામાં ઘુસવાને કારણે તેજ હલચલ જોવા મળી રહી છે.
ચાઈનીઝ એરક્રાફ્ટ જ્યારે તેના બે ડિસ્ટ્રોયર સાથે જાપાનના દક્ષિણ યોનાગુની અને ઈરીયોમોટ ટાપુઓ વચ્ચેથી પસાર થયું ત્યારે જાપાની છાવણીમાં ગભરાટ ફેલાયો હતો. જાપાને એવો દાવો કર્યો હતો કે ચાઇનીઝ એરક્રાફ્ટ તેના દરિયાકાંઠાથી 24 નોટિકલ માઇલ વિસ્તારમાં પહોંચી ગયું હતું. આ ઘટનાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવતા જાપાનના અધિકારીઓએ ચીનના અધિકારીઓ સમક્ષ તેની “ગંભીર ચિંતાઓ” જણાવી હતી અને કહ્યું હતું કે તેઓ ચીનના નૌકા જહાજોની ગતિવિધિઓ પર નજીકથી દેખરેખ રાખી રહ્યા છે અને તેઓ તકેદારી અને દેખરેખ રાખવા માટે તમામ સંભવિત પગલાં લેશે.
આ પણ વાંચો :ચીને અરુણાચલમાં બોર્ડરથી માત્ર 20KM દુર નવું હેલીપોર્ટ બાંધ્યું, ભારતની ચિંતા વધી
જોકે, આ પહેલી વાર નથી જ્યારે ચીને બીજા દેશની સીમામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હોય. ભારત સામે તો તે અનેક વાર આવું કરી ચૂક્યું છે અને તેને પીછેહઠ કરવી પડી છે.
ગયા મહિને પણ ચીની નૌકાદળનું એક સર્વેક્ષણ જહાજ જાપાની જળસીમામાં પ્રવેશ્યું હતું. ત્યાર બાદ જાપાને ચીન સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરના વર્ષોમાં જાપાન અને તાઇવાનની આસપાસ ચીને તેની સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. ચીન મોટો દેશ છે, જ્યારે જાપાન નાનકડો ટાપુ દેશ છે, જે નાટોનો સભ્ય નથી, પણ તેને અમેરિકાનું સમર્થન પ્રાપ્ત છે. જાપાન શાંતિ પ્રિય દેશ છે.