બ્રહ્મપુત્રા નદી પર ચીન બનાવી રહ્યું દુનિયાનો મોટો ડેમઃ 137 અબજ ડોલરનો થશે ખર્ચ
બીજિંગઃ ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાની તેની યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી દેશ પ્રભાવિત થશે નહીં અને દાયકાઓના અભ્યાસના માધ્યમથી સુરક્ષાના મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે 137 અબજ અમેરિકન ડોલરના અંદાજિત ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટ પર આશંકાઓને ફગાવી દીધી હતી. આ પ્રોજેક્ટ ઇકોલોજીકલ રીતે અત્યંત નાજુક હિમાલયન ક્ષેત્રમાં બનાવવામાં આવી રહ્યો છે, જે ટેક્ટોનિક પ્લેટની સીમા પર સ્થિત છે, જ્યાં વારંવાર ભૂકંપ આવતા રહે છે.
તેમણે કહ્યું હતું કે ચીને દાયકાઓથી વ્યાપક અભ્યાસ કર્યો છે અને સુરક્ષાના પગલાં લીધા છે. અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ડેમ સંબંધિત ચિંતાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે માઓએ કહ્યું હતું કે ચીન હંમેશાં સરહદ પારથી પસાર થતી નદીઓના વિકાસ માટે જવાબદાર રહ્યું છે.
આપણ વાંચો: Tention: ગંગા-બ્રહ્મપુત્રા જેવી નદીઓ પર ખૂબ ગંભીર થઈ રહી છે climate changeની અસર
તેમણે જણાવ્યું હતું કે તિબેટમાં હાઇડ્રોપાવર ડેવલપમેન્ટનો દાયકાઓથી સઘન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને પ્રોજેક્ટની સલામતી સુનિશ્ચિત કરવા અને પર્યાવરણની સુરક્ષા માટે સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ નીચાણવાળા વિસ્તારોને અસર કરશે નહીં.
તેમણે કહ્યું હતું કે ચીન વર્તમાન ચેનલોના માધ્યમથી નીચાણવાળા વિસ્તારોના દેશો સાથે સંવાદ જાળવી રાખશે અને નદીના કિનારે રહેતા લોકોના લાભ માટે આપત્તિ નિવારણ અને રાહત પર આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારશે.
ચીને બુધવારે ભારતીય સરહદ નજીક તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને મંજૂરી આપી હતી, જેને વિશ્વનો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. તેનાથી ભારત અને બાંગ્લાદેશમાં ચિંતા વધી છે કારણ કે અહીંથી આ નદી પસાર થઇ રહી છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ‘યારલુંગ ઝાંગબો’ નદીના નીચાણવાળા વિસ્તારમાં બનાવવામાં આવશે. ‘યારલુંગ ઝાંગબો’ બ્રહ્મપુત્રાનું તિબેટીયન નામ છે. આ ડેમ હિમાલયની વિશાળ ખીણમાં બનાવવામાં આવશે, જ્યાં બ્રહ્મપુત્રા નદી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને પછી વળાંક લઇને બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે.