China Hackers: ચીનના હેકર્સે ભારત સરકાર ગુપ્ત દસ્તાવેજો હેક કર્યા! PMO-એર ઈન્ડિયા અને રિલાયન્સ પણ નિશાના
નવી દિલ્હી: ચીનના એક હેકર ગ્રુપે ભારતમાં મોટો સાઈબર અટેક કર્યો હોવાનો દાવો કર્યો છે. હેકર્સે ભારતના વડાપ્રધાન કાર્યાલય (PMO), ઉપરાંત ભારત સરકારના મુખ્ય કાર્યાલયો તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એર ઈન્ડિયાને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
એક અહેવાલ મુજબ ચીનના મિનિસ્ટ્રી ઓફ પબ્લિક સિક્યુરિટી માટે સાયબર સિક્યુરિટી કોન્ટ્રાક્ટર iSoon સાથે જોડાયેલા હજારો દસ્તાવેજો, તસવીરો અને ચેટ મેસેજ GitHub પર અજ્ઞાત રીતે પોસ્ટ કરવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ જણાવ્યું કે iSoon અને ચીનની પોલીસે ફાઈલો કેવી રીતે લીક થઈ એ જાણવા કરવા માટે તપાસ શરૂ કરી છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, એક કર્મચારીએ કહ્યું કે iSoonએ 21 ફેબ્રુઆરીએ દસ્તાવેજો લીક થવા અંગે એક મીટિંગ કરી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે તેનાથી બિઝનેસ પર વધારે અસર નહીં થાય અને તેણે પોતાનું કામ સામાન્ય રીતે ચાલુ રાખવું જોઈએ.
GitHub પર લીક થયેલા દસ્તાવેજો મેન્ડરિન ભાષામાં છે, પરંતુ જે મશીન ટ્રાન્સલેટેડ વર્ઝન સામે આવ્યું છે તેમાં હેકર્સની કાર્યપદ્ધતિઓ, કારનામાઓ અને ટાર્ગેટ કોણ છે તેની માહિતી મળી છે. આ મુજબ, સાયબર એટેકર્સના ટાર્ગેટમાં નાટો, યુરોપીયન સરકારોની ખાનગી સંસ્થાઓ ઉપરાંત પાકિસ્તાન જેવા ચીનના સહયોગી દેશો પણ હતા.
લીક થયેલા ડેટામાં ભારતના નાણા મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રપતિના ઓફીસનો ઉલ્લેખ છે. સંભવતઃ ગૃહ મંત્રાલયને પણ નિશાન બનાવવામાં આવ્યું હોઈ શકે છે. ભારત-ચીન સીમા તણાવ દરમિયાન હેકર જૂથોએ મે 2021 અને ઓક્ટોબર 2021 વચ્ચે “રાષ્ટ્રપતિના આંતરિક મંત્રાલય” ની વિવિધ કચેરીઓથી સંબંધિત 5.49GB ડેટા પ્રાપ્ત કર્યો હતો.
આ ઉપરાંત પેન્શન ફંડ મેનેજર, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO), ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને ખાનગી હેલ્થકેર-હોસ્પિટલ્સ ચેઈનના યુઝર ડેટાની પણ કથિત રીતે ચોરી કરવામાં આવ્યો હતો. કથિત રીતે એર ઈન્ડિયાના ચોરાયેલા ડેટામાં મુસાફરોની ચેક-ઈન વિગતો પણ છે. લીક થયેલા દસ્તાવેજોમાં મુજબ 2020 થી ભારતની આશરે 95GB ઇમિગ્રેશન વિગતોનો સમાવેશ થાય છે, જેને “એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ડેટા” તરીકે વર્ણવવામાં આવે છે.
મિત્રથી લઈને દુશ્મન દરેક દેશ ચીનના નિશાના પર છે. ભારત ઉપરાંત બેઇજિંગે તેના નજીકના મિત્ર પાકિસ્તાનને પણ નિશાન બનાવ્યું છે. ઉપરંત નેપાળ, મ્યાનમાર, મંગોલિયા, મલેશિયા, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, થાઇલેન્ડ, કઝાકિસ્તાન, તુર્કી, કંબોડિયા અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે. નેપાળ ટેલિકોમ, મોંગોલિયાની સંસદ અને પોલીસ વિભાગ, એક ફ્રેન્ચ યુનિવર્સિટી અને કઝાકિસ્તાનની પેન્શન મેનેજમેન્ટ ઓથોરિટીમાંથી પણ મોટા પ્રમાણમાં ડેટાની ચોરી કરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ચીન ભારતમાં સાયબર હુમલા માટે ચર્ચામાં આવ્યું હોય. 2022 માં, ચીન સાથે જોડાયેલા હેકરોએ કથિત રીતે સાત ભારતીય પાવર હબને નિશાન બનાવ્યા હતા.