પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધવિરામ પર ચીનની ટિપ્પણી: જાણો બંને દેશોને આપી કેવી સલાહ

બીજીંગ: સાત દિવસ એકબીજા પર ભીષણ હુમલા કર્યા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ થયો છે. પરંતુ તેમ છતાં નાની-મોટી અથડામણોના સમાચાર પણ આવી રહ્યા છે. આવા સમયે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના યુદ્ધવિરામને લઈને ચીન દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી છે.
બંને દેશો શાંતિ અને સંયમ રાખે
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના યુદ્ધવિરામને લઈને ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું છે કે, અમે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કામચલાઉ સીઝફાયર લાગુ કરવા અને વાટાઘાટો દ્વારા સમાધાન શોધવાના નિર્ણયની નોંધ લીધી છે. આ નિર્ણય પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે અનુકૂળ છે તથા બંને પક્ષોના સામાન્ય હિતોને પૂર્ણ કરે છે. અમે તેમના આ પગલાનું સ્વાગત અને સમર્થન કરીએ છીએ.
આ પણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ લાગુ, હવે શું કરશે બંને દેશ? જાણો
લિન જિયાને આગળ જણાવ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને ચીનના પડોસી મિત્રો છે. આ એવા પડોશી છે, જેને બદલી શકાય તેમ નથી. ચીન બંને દેશોનું સમર્થન કરે છે. તેઓ શાંતિ અને સંયમિત રહે તથા એક વ્યાપક અને સ્થાયી યુદ્ધવિરામ હાંસિલ કરે. બંને દેશો સંવાદ અને વાતચીત દ્વારા તેઓ પોતાના મતભેદો ઉકેલે, રાજનીતિક સમાધાનના માર્ગ પર પાછા ફરે. બંને દેશો પોતાના પ્રદેશમાં સંયુક્ત રીતે શાંતિ અને સ્થિરતા જાળવી રાખે.
લિન જિયાને જણાવ્યું કે, ચીનનો વેપાર અને ઉર્જા સહયોગ રશિયા સહિત વિશ્વભરના દેશો સાથે સામાન્ય અને સંપૂર્ણપણે કાયદેસર રહ્યો છે. અમેરિકાનું વલણ એકપક્ષીય અને ગુંડાગીરીભર્યું રહ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું ઉલ્લંઘન થયું છે. જેનાથી વિશ્વભરમાં ઉદ્યોગો અને પુરવઠા શૃંખલાઓની સ્થિરતામાં ખલેલ પહોંચી છે. આ સાથે લિન જિયાને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધોને વધુ સારા બનાવવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટેની પણ તૈયારી બતાવી છે.